અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી નાખતાં મોત

અમદાવાદ: મેમનગર ગોકુલ રો હાઉસ બહારના રોડ ઉપર સોમવારે રાતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવાચાલકને કચડી માર્યો હતો. ઈનોવાની સ્પીડ 100થી વધુની હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી છે.

132 ફૂટ રિંગ રોડ ઉપર એઈસી બ્રિજ નીચેથી મેમનગર ગામ તરફ જતા રોડ ઉપર આવલા ગોકુલ રો હાઉસ બહારના રોડ પરથી સોમવારે રાતે પ્રફુલભાઇ પટેલ (સત્તાધાર, સ્વાગત એપાર્ટમેન્ટ) એક્ટિવા લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલી ઈનોવાના ચાલકે પ્રફુલભાઇના એક્ટિવાને ટકકર મારી હતી, જો કે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે ટક્કર વાગતાની સાથે જ પ્રફુલભાઇ રોડ ઉપર પટકાયા હતા અને ઢસડાયા હતા.

જેમાં માથા સહિતના શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી પ્રફુલભાઇનું મોત નિપજ્યું હતુ. ઘટનાની જાણ થતા ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી.ખાંભલા સ્ટાફ સાથે આવી પહોંચ્યા હતા અને પ્રફુલભાઇનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અંગે પોલીસે નાસી છૂટેલા ઈનોવાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી હતી. ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, હું દિલગીર છું. મારો ડ્રાઈવર કાર લઈને નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.