વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું બાંધકામ લગભગ પૂરું થઇ જવા આવ્યું છે અને બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીના અનુસાર માર્ચ 2020માં એશિયા ઇલેવન તથા વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ સાથે તેનું ભવ્ય ઉદ્ઘાટન થાય તેવી પૂરી સંભાવના છે. સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરાના નિર્માણ માટે 700 કરોડનો જંગી ખર્ચ થયો છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોની કેપેસિટી એક લાખ 10 હજારની છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન (એમસીજી) વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે જેમાં એક લાખ લોકો મેચનો આનંદ માણી શકે છે.
બીસીસીઆઇના વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) બાદ ગાંગુલીએ સરદાર પટેલ સ્ટેડિયમ અંગેની માહિતી આપી હતી અને તેના અનુસાર 2020ના માર્ચમાં તેનું ઉદ્ઘાટન થઇ શકે છે. જોકે એશિયા ઇલેવન તથા વર્લ્ડ ઇલેવન વચ્ચે રમાનારી મેચ માટે આઇસીસીની મંજૂરી લેવી પડશે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થઇ શકે છે.
મોટેરા સ્ટેડિયમની રસપ્રદ બાબત
મોટેરામાં તૈયાર થયેલું સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. તેમાં લેટેસ્ટ ટેક્નોલોજીવાળા 50 કેમેરા, ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ તથા 75 કોર્પોરેટ બોક્સ રહેશે. ભારતની સૌથી પહેલી ઇન્ડોર એકેડેમી પણ આ સ્ટેડિયમનું મુખ્ય આકર્ષણ રહેશે. જાન્યુઆરી 2017માં મોટેરા સ્ટેડિયમને ઝીરો લેવલ કરીને નવેસરથી નવી ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટેડિયમથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન છે. ગ્રાઉન્ડમાં અગાઉ સામાન્ય ફ્લડ લાઇટ્સ હતી પરંતુ હવે તેના બદલે એલઇડી લાઇટ્સ લગાવવામાં આવી છે. નવા સ્ટેડિયમને ભૂકંપની કોઇ અસર થશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.