ગુજરાતના ઊર્જા મંત્રી સૌરભ પટેલે એક બિનસરકારી સ્વતંત્ર એજન્સીના સરવેના આંકડાનો લાભ ઉઠાવી ગુજરાતમાં ભ્રષ્ટાચારના મામલે દેશભરમાં સૌથી ઓછો દર હોવાના બણગાં ફૂંક્યા છે. પરંતુ આની સામે કેન્દ્ર સરકારના જ નીતિ આયોગના આંકડા સૌરભ પટેલના આ દાવાને ઊંધો પાડે છે. આ આંકડા કહે છે કે, જે ડેટા એકત્ર કરવામાં આવ્યો તે મુજબ તો દર એક કરોડની વસતિએ ભ્રષ્ટાચારના કેસ નોંધાવાની ઘટનામાં ગુજરાત આખા દેશમાં ત્રીજા ક્રમે આવે છે.
યોગાનુયોગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતની તેમની મુલાકાત વખતે જ દારૂબંધીનો વિવાદ જે પ્રકારે છેડયો તેના થોડા જ સમય બાદ સૌરભ પટેલે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો દર સૌથી ઓછો અને રાજસ્થાનમાં સૌથી વધુ હોવાનું તારણ દર્શાવતા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટનો હવાલો આપી જાહેરાત કરી હતી. પરંતુ તાજેતરમાં જ નીતિ આયોગે દેશના તમામ રાજ્યોમાં ભ્રષ્ટાચારના સંદર્ભમાં એકત્ર કરેલા ડેટા જાહેર કર્યા તેને ગુજરાત સરકાર નકારી શકે તેમ ન હોવાથી ખુદ સરકાર જ કફોડી સ્થિતિમાં મુકાઈ છે.
કેન્દ્રમાં એનડીએની સરકાર રચાયા બાદ તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજન પંચને વિખેરી નાંખી તેના સ્થાને નીતિ આયોગની રચનાની જાહેરાત કરી હતી. આમ, દેખીતી રીતે જ વડા પ્રધાન જે સંસ્થાને અત્યંત મહત્ત્વપૂર્ણ માની રહી છે તેના જ આંકડાથી ગુજરાતમાં ભ્રષ્ટાચારની તીવ્રતાની સાચી છબિ દેખાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.