બોટાદ પંથકમાં થતી ખનીજ ચોરીની પ્રાદેશિક કચેરી સુધી ફરિયાદ પહોંચ્યા બાદ ખનીજ ચોરી પકડવા આવેલી પ્રાદેશિક ફલાઇંગ સ્કવોર્ડના અધિકારીઓ સામે રાણપુર નજીક ભૂમાફિયાઓએ પિસ્તોલ તાકીને ટીમે ઝડપી પાડેલાં બે રેતી ભરેલાં ડમ્પર છોડાવી જતાં ચકચાર મચી છે. જો કે, આ બનાવના પગલે ખાણ ખનીજ વિભાદના અધિકારીએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી ૯ પૈકી ૫ શખ્સોની અટક કરી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલ કનારા ત્રણ રસ્તા ઉપર આવેલ રવિરાજ હોટલના કમ્પાઉન્ડમાં આજે ગાંધીનગરથી ગુજરાત રાજ્ય ખાણ ખનીજ વિભાગની ફ્લાયિંગ સ્ક્વોર્ડ ચેકિંગ માટે આવી હતી. જેમણે તપાસ દરમ્યાન બે રેતી ભરેલા ડમ્પરને અટકાવી કાયદાકીય તજવીજ હાથ ધરતા રાણપુર પંથકના ભૂમાફ્યિાઓને આ તપાસની જાણ થઇ હતી. અને ૯થી વધુ શખ્સો એક સંપ કરી સ્થળ પર ઘસી આવ્યા હતા. અને ફરજ પર હાજર ખાણ ખનીજ વિભાગના અધિકારી પ્રતિકકુમાર નટવરલાલ બારોટની સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો અને પિસ્તોલ જેવા હથિયાર બતાવી ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને સ્થળ પરથી સકવોર્ડે પકડેલા બન્ને રેતી ભરેલા ડમ્પર લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ બોટાદ પોલીસને થતાં બોટાદ જિલ્લા એસ.પી.હર્ષદ મહેતા તેમજ એલ.સી.બી.,એસ.ઓ.જી.સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો. જયારે, આ બનાવના પગલે ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરના ફ્લાયિંગ સ્ક્વોર્ડના અધિકારી પ્રતિકકુમાર નટવરલાલ બારોટે રાણપુર પોલીસ સ્ટેશનમાં મોહન ઉર્ફે ભીમા બોળિયા (રહે.બોટાદ), દેવાભાઈ વરજાંગભાઈ ભૂવા (રહે. નાની વાવડી તા,રાણપુર), (૩) કાનાભાઇ વિભાભાઈ ભરવાડ (રહે.રાણપુર), ભીખાભાઈ ધરમશીભાઈ મકવાણા (રહે.નાની વાવડી તા.રાણપુર), હિતેશભાઈ વજુભાઈ દુમાદીયા (રહે.કુંડલી તા.રાણપુર),વનરાજભાઈ બોળિયા (રહે.બોટાદ), જીગ્નેશભાઈ ધુડાભાઈ બામ્ભા (રહે – રાણપુર), ભોળાભાઈ રાજાભાઈ ચૌહાણ (રહે.સેંથળી તા.બોટાદ),જગદીશભાઈ શામજિભાઈ ધરાજિયા (રહે.રાણપુર) તથા અન્ય અજાણ્યા શખ્સ મળી ૯થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવના પગલે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા તેમજ બીજા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.