બિન સચિવાલય આંદોલનઃ SITના નામે સરકાર ઉમેદવારોમાં ભાગલા પડાવવામાં સફળ

બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ કરવાની માગંણી સાથે બુધવારથી આંદોલન કરી રહેલા યુવાનો પર ગઇ કાલે આચરેલા દમન, અને કેસ થશે એવી ધમકીથી આંદોલન તોડી પાડવામાં સફળતા ન મળતા સરકારે આજે કૂટનીતિનો આશરો લઇ ઉમેદવારોમાં ભાગલા પડાવ્યા હતા. પોતાની રણનિતીના ભાગરૂપે સરકારે સ્વયંભૂ આંદોલનમા બની બેઠેલા બે-ચાર આગેવાનોને મંત્રણા માટે બોલાવ્યા હતા. તેમની સાથે મિટિંગોના દૌર બાદ ગુરૂવારે મોડી સાંજે ગૃહમંત્રીએ ૧૭ નવેમ્બરની ભરતી પરીક્ષામાં ચોરી, સામુહિક ચોરી, પેપર લિકેજની ઘટનાઓમાં સામાન્ય વહિવટ વિભાગના અગ્રસચિવના અધ્યક્ષપદે ચાર સભ્યોના સીટ રચવાનું જાહેર કર્યું હતુ. જોકે એની અગાઉના ઘટનાક્રમ પર નજર કરીએ તો સરકાર સાથે કલેક્ટર કચેરીમાં બબ્બે વખત બંધબારણે બેઠક યોજ્યા બાદ કહેવાતા આગેવાનો યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, યુવરાજસિંહ ગોહિલ અને ભાવસિંહ સરવૈયા મહાત્મા મંદિર પાસે પહોંચ્યા હતા અને યુવરાજસિંહે ત્યાં આંદોલન કરી રહેલા ઉમેદવારોને સંબોધન કરવાનું શરૂ કર્યું હતું. સંબોધનમાં સરકાર સીટની રચના કરી ગેરરિતીની તપાસ કરાવશે અને ત્યાં સુધી આંદોલન સ્થગિત રાખવાની વાત જેવી આ નેતાએ કરી કે તરત જ ઉપસ્થિત આંદોલનકારીઓ ભડક્યા હતા અને તેમણે ‘પરીક્ષા રદ કરો’ના નારા લગાવ્યા હતા. વિરોધ વધતા આનનફાનનમાં માઈક મુકીને યુવરાજસિંહ સહિતના ચારેય આગેવાનો પોલીસ એસ્કોટ સાથે પોલીસ જીપમાં જ કલેક્ટર કચેરીમાં પહોંચી ગયા હતા. જ્યાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેસીને મિડિયા સમક્ષ સીટની તપાસનો સ્વિકાર કર્યો હતો.

ન્યુઝ ચેનલોમાં પ્રેસ કોન્ફરન્સને મોબાઇલ પર લાઈવ જોનારા આંદોલનકારીઓને આ જાહેરાતથી પોતે છેતરાયાનો અહેસાસ થતા કેટલાક ઉમેદવારો કલેક્ટર કચેરીએ દાડી આવ્યા હતા. જોકે નેતાો યુવાનોના રોષનો ભોગ બને તે પહેલા જ પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા અને તે પછી આ આગેવાનોને દોટ મૂકીને ક્યાંક છુમંતર થઈ ગયા હતા. જોકે તે પછી પણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે એકત્ર થયેલા ઉમેદવારોએ પોતાનું આંદોલન ચાલુ જ રાખ્યું હતું અને રાત્રે ૧૦.૩૦ વાગે પણ અહીં આશરે ૪૦૦ જેટલા ઉમેદવારો ઉપસ્થિત હતા અને તેમણે પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઉમેદવારોનું માનવુ છે કે, ૧૮ દિવસમાં ગૌણ સેવા પસંદગી મંડળે તપાસના નામે કંઈ ઉકાળ્યુ નથી, સરકાર સ્વંય પોતાનું આ પાપ ઢાંકવા આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે પોતાના જ અધિકારીઓની સીટ શું તપાસ કરશે ? ગૃહમંત્રીએ આ સીટ તપાસ કરી ૧૦ દિવસમાં તેનો રિપોર્ટ સોંપશે તેવો દાવો કર્યો છે. ભરતી પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા યોજવા માગંણી કરી રહેલા ૩૦૦૦થી વધારે ઉમેદવારોએ બુધવારની આખી રાત મહાત્મા મંદિરના રસ્તા ઉપર ઠંડીમાં વિતાવી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.