ગાંધીનગરમાં કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા સહિત અનેક નેતાઓની અટકાયત

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે રૂપાણી સરકારની વિવિધ સ્તરે સરિયામ નિષ્ફળતાના સંદર્ભે વિધાનસભાને ઘેરાવ કરવાનો વિરોધ પક્ષ કોંગ્રેસે એલાન કર્યું છે. હાલ ગાંધીનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોએ વિધાનસભા બાજુ કૂચ કરી હતી.

છેલ્લે મળી રહેલા અહેવાલ પ્રમાણે, ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પોલીસ હાલ તેમને રોકવાના બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પર પાણીનો મારો ચલાવ્યો હતો. હાલ પોલીસે અમિત ચાવડા સહિત અર્જૂન મોઢવાડિયા, વિક્રમ માડમની પણ અટકાયત કરી લીધી છે.

અટકાયતથી ક્રોધે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડીને નિશાન બનાવીને પથ્થરમારો અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ભીડ અને કોંગ્રેસના કાર્યકરોએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસની વરૂણવાનના કાચ પણ કોંગ્રેસી કાર્યકરોએ તોડી નાખ્યા હતા.

કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરવા માંડી છે. જેને લઈને આક્રોશમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો. આ ઉપરાંત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યાં છે. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. ‘ગાંધી લડે ગોરો સે, હમે લડેંગે ચોરો સે’ ના સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.