રાજ્યના અવાર નવાર ક્રિકેટ સટ્ટાના રેકેટનો ગુજરાત પોલીસ દ્વારા પર્દાફાશ થવાના અહેવાલો મળતા હોય છે, ત્યારે અમદાવાદના પોશ એવા સાઉથ બોપલ વિસ્તારમાંથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો સાઉથ બોપલ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં પોલીસે ક્રિકેટ પર સટ્ટો રમતાં 10 લોકોને ઝડપી પાળ્યા છે. પોલીસને ઘટના સ્થળેથી 88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીટી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને આ ઘટનામાં બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમી મળી હતી.
આ ઘટનાની મળતી માહિતી આપતા સાઉથ બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ એ. એમ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સાઉથ બોપલના ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના 603 નંબરના ફ્લેટમાં કેટલાક શખ્સો ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેવી બાતમી અમારા હેડ કોન્સ્ટેબલ મુકેશ દેસાઇને મળી હતી. જેના આધારે પોલીસે મોડી રાત્રે ફ્લેટમાં દરોડો પાડી બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમાડતા 10 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જ્યાં રેડ કરી ત્યાં ઉભું કરાયેલું નેટવર્ક જોઈને પોલીસ પણ ડઘાઈ ગઈ હતી.
પોલીસને હાઈપ્રોફાઈલ સટ્ટાના રેકેટમાં પોલીસને 57 જેટલા બોબડી લાઇનના ફોન, 31 સ્માર્ટ ફોન મળી 88 ફોન કબ્જે કર્યા હતા. જ્યારે 5 લેપટોપ, એલસીટી ટીવીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમાડી રહ્યા હતા. આરોપી ધવલ ઠક્કર આ સટ્ટા રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પોલીસે ઝડપેલા બુકીઓ દુબઈ અને પાકિસ્તાનના સટ્ટાને લઈને પણ કનેક્શન હોવાની સંભાવના સેવાઈ રહી છે. આ ઘટનામાં નવકાર ગ્રુપનો કાળુ ઉર્ફે કિશોર સમગ્ર સટ્ટાનું સંચાલન કરતો હોવાનું સામે આવ્યું છે. સાઉથ બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.