ગુજરાતમાં દારૂના નામે પોલીસ જ અંદરોઅંદર પાડે છે ખેલ, PIને બચાવવા કે સસ્પેન્ડ કરાવવા અપનાવે છે આ ચાલ

રાજ્યના સામાન્ય નાગરિકોને નાકાબંધી કરી દારૂબંધીના નામે આડેધડ પકડી, હેરાનગતિ કરી પૈસા પડાવવાની રસમો અપનાવતી ગુજરાત પોલીસના જ મોનિટરિંગ સેલ, જેની પાસે દારૂબંધીના અમલની જવાબદારી છે, એ જ દારૂના મોટા જથ્થામાં જે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને બચાવવા કે ફસાવવાના ખેલ ખેલી રહ્યો હોવાનું સ્ટેટ ડીજીપીના ધ્યાને આવતાં આ મુદ્દે એક નવી જ ગાઇડ લાઇન્સ બહાર પાડવી પડી છે. મોનિટરિંગ સેલના વહીવટદારોનો ખેલ પણ અજબનો રહેતો. કાયદાની જોગવાઈનો ગેરલાભ ઉઠાવી પીઆઈને બચાવવા કે સસ્પેન્ડ કરવાનો ખેલ થતો. ભલે દારૂ ગોડાઉનમાંથી મળે, પણ તેને રસ્તા પર ટ્રકમાં મળ્યો હોવાનું બતાવી પીઆઈને બચાવી લેવાય, અને ભલે ટ્રકમાં પકડાયો હોય પણ તેને ગોડાઉનમાં મૂકી તે વિસ્તારના પીઆઈને સસ્પેન્શના માર્ગે મોકલાવવાનો ખેલ થતો. આવા કિસ્સામાં ત્રણ પીઆઇ સસ્પેન્ડ થયા છે.

મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસના વહીવટદારો મારફતે સ્થાનિક ઉચ્ચ અધિકારીઓને મલાઈ મળતી હોવાથી સ્થાનિક અધિકારીઓને બચાવવા કારસો રચાતો હતો.પણ હવે રનિંગ કેસ ક્યારે, કેવી રીતે કરવા અને કોના પર તેની જવાબદારી આવે તે અંગે સ્પષ્ટ ગાઇડલાઇન્સ પ્રસિદ્ધ કરવામાં આવી હોવાથી આ ખેલ બંધ થાય તેવી ડીજીપીને આશા છે. રાજ્યમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ રોકવા વેચાણ થતાં દારૂમાં બીટ, આઉટ પોસ્ટ, થાણા અધિકારી અને સુપરવાઇઝરી અધિકારીની બેદરકારી કે નિષ્કાળજી છે કે કેમ તેની પ્રાથમિક તપાસ આપવામાં આવતી હોય છે. આવા કિસ્સામાં, જે સ્થાનિક અધિકારી સાથે સાઠગાંઠ હોય તેની હદના કેસને રનિંગ, એટલે કે રસ્તા પરથી ટ્રકમાં દારૂ પકડાયો એમ ગણાવી પોલીસ અધિકારી કર્મચારીને બચાવી લેવાય છે અને નિષ્કાળજી કે બેદરકારી નથી તેમ અહેવાલ પાઠવવામાં આવે છે. આમ રાજ્ય પોલીસ વડાને ધરાર ગેરમાર્ગે દોરવામાં આવતા હતા. આખરે દારૂના મુદ્દે હંમેશાં સંવેદનશીલ અને ચર્ચામાં રહેલા રાજ્યના પોલીસ વડાએ સ્પેશિયલ ગાઇડ લાઇન બહાર પાડી તેમની ચાલ પર પાણી ફેરવવા પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાય છે.

આશરે મોટા ભાગની રેન્જ કાગનો વાઘ બની ગઈ છે તેમને દારૂના કિસ્સામાં આડકતરી રીતે રેડ કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે તેમના આરઆર સેલને પણ કોઈ જ કાર્યવાહી ન કરવા સૂચના આપતા તેઓ બિન સક્રિય થયા છે અને હવે એક સ્ટેટ મોનિટરિંગ સેલ જે કાર્યવાહી કરે તે દેખાય તે માટે આ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.