સવારે બંધ, બપોરે લાઠીચાર્જ, સાંજે પથ્થરમારો, રાત્રે અજંપો, જાણો અ’વાદ હિંસાની વિગતપુર્ણ માહિતી

સિટીઝનશીપ અમેન્ડમેન્ડ એક્ટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ના વિરોધમાં પ્રમાણમાં ઘણા નાના ગણી શકાય એવા એક સ્વૈચ્છિક સંગઠને આપેલા અમદાવાદ બંધના એલાનને પગલે ગુરુવારે સવારે ૮ વાગ્યાના અરસામાં લાલ દરવાજા વિસ્તારની સી.યુ. શાહ કોલેજ પાસે શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા માત્ર પંદરેક જેટલા યુવકોની પોલીસે અટકાયત કરતાં આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. જે પછી લાલ દરવાજા, મિરઝાપુર, શાહપુર જેવા વિસ્તારોમાં શરૂ થયેલા ઉગ્ર દેખાવોનો પડઘો સાંજ સુધીમાં રખિયાલ અને શાહઆલમ જેવા વિસ્તારોમાં પણ પડયો હતો. રખિયાલમાં એકત્ર થયેલા હજારોના ટોળાને તો પોલીસ સમજાવીને વિખેરવામાં સફળ રહી હતી, પરંતુ શાહઆલમમાં વિફરેલા ટોળાએ પોલીસના બળપ્રયોગના વિરોધમાં પથ્થરમારો કરતાં પોલીસે ૧૦ ટીયરગેસના સેલ છોડયા હતા. અધિકારીઓ સહિત ૨૦ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયાં હતા. સેટેલાઇટ અને આઇઆઇએમ જેવા વિસ્તારોમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યાં હતા. દિવસભરના આવા ઘટનાક્રમોને પગલે રાત્રે ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વધુમાં આજે પહેલીવાર અમદાવાદમાં એવું જોવા મળ્યું હતું કે તોફાની તત્ત્વોએ પોલીસ પર પથ્થરમારો કરતી વખતે પોતાની ઓળખ છતી ન થાય તે માટે મોંઢા પર રૂમાલ બાંધ્યો હતો.

સી. યુ. શાહ કોલેજ પાસે બાર ગાડીઓ સાથે તૈનાત પોલીસને શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા પંદર યુવકોની અટકાયતથી સંતોષ થયો ન હતો અને વિરોધ નથી એવું દેખાડવા પોલીસે આશરે ૧૧ વાગ્યે પથ્થરકૂવા પાસે કેટલીક બંધ દુકાનોને ચાલુ કરાવવા માટે પણ બળજબરી કરી હતી, જે વાત વાયુવેગે આજુબાજુના વિસ્તારોમાં પ્રસરી હતી. આના પગલે બપોરના બે વાગ્યા સુધીમાં રુપાલી સિનેમાંથી સીદી સૈયદની જાળી સુધી ટોળે ટોળાં એકઠાં થયા હતા અને એક તબક્કે પોલીસની જીપનો ઘેરાવ કર્યો હતો, ત્યારે પોલીસે ટોળાંને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. આ ટોળું મિરઝાપુર તરફ દોડયું હતું. આ ટોળાંએ મિરઝાપુર ત્રિકોણીયા બગીચા પાસેથી પસાર થતી બસ પર પથ્થરમારો કરતાં પોલીસ ત્યાં દોડી ગઇ હતી, જેને પગલે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. એટલું જ નહીં એક તબક્કે સલાપસ રોડ પણ બંધ કરવો પડયો હતો. બીજી તરફ તોફાની ટોળાંએ પોલીસને મિરઝાપુરથી શાહપુર જવાના રસ્તે અંદર સુધી દોડાવી હતી. પોલીસ અને ટોળાં વચ્ચેની આ સંતાકુકડી બપોરના આશરે સાડા ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. દરમિયાન આ ધમાલની વાત પ્રસરતા સાંજના ચાર વાગ્યાની આસપાસ ગોમતીપુર અને રખિયાલમાં હજારોની સંખ્યામાં ટોળું રોડ પર ઉતરી આવ્યું હતું. જોકે પોલીસે સમજાવટથી કામ લઇ કેટલાકની અટકાયત બતાવી મામલો થાળે પાડયો હતો. આ ઘટનાની વિગતો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં તેનો પડઘો શાહઆલમ વિસ્તારમાં પડયો હતો અને ત્યાં પણ હજારોની સંખ્યામાં લોકો વિરોધ કરવા માટે એકત્ર થયાં હતા. પોલીસે મંજૂરી ન હોવાનું બહાનું આગળ ધરી આ લોકોને વિરોધ કરતાં અટકાવ્યા હતા. જેને પગલે ટોળું વિફર્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં નજરે જોનારાના કહેવા પ્રમાણે લોકોએ પોલીસકર્મીઓને દોડાવીને રીતસરના માર્યા હતા. આથી પોલીસે બચાવ માટે ટીયરગેસના દસ સેલ છોડયા હતા. આ ઘર્ષણમાં એક ડીસીપી સહિત કુલ ૧૯ પોલીસ કર્મીઓને ઇજા થઈ હતી. શહેર પોલીસ કમિશ્નરે તો અસામાજિક તત્ત્વો સામે બળપ્રયોગ કરતાં અચકાશું નહીં એમ કહી ગઇકાલે પોલીસ ગુજરાતમાં સીએએ અને એનઆરસીનો સહેજ પણ વિરોધ નથી એવું પ્રસ્થાપિત કરવા માંગે છે એવો સંકેત આપી દીધો હતો. વિરોધ કરવા માટે એકત્રિત થયેલા લોકોના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ હતો તે છોડીને લોકો પથ્થરમારો કરવા મજબૂર બન્યા તે બાબત પણ પોલીસની શામ, દામ, દંડ અને ભેદની નીતિ અસફળ રહી તેનો સંકેત આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.