ઊંઝામાં 800 વીઘા જમીન પણ ઓછી પડી, 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યાં માતાજીનાં દર્શન

ઊંઝા ખાતે યોજાઈ રહેલા લક્ષચંડી મહાયજ્ઞાનો સમગ્ર વિશ્વમાં જયકારો ગુંજ્યો છે. ત્યારે મહોત્સવના ૪થા દિવસે શનિવારના રોજ ઉમિયાનગરમાં માતાજીના ભક્તો અને શ્રદ્ધાળુઓનું કીડિયારું ઊભરાયું છે. સવારથીજ ઊંઝાને જોડતા તમામ માર્ગો પર દર્શનાર્થે આવતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે માતાજીના નીજ મંદિરે અને ઉમિયાનગરમાં તો શ્રદ્ધાળુઓની ભીડથી જાણે કે ઉમાધામની ૮૦૦ વીઘા જમીન પણ ઓછી પડતી હતી. માતાજીના મહાયજ્ઞાના અંતિમ ચરણમાં શનિવારના રોજ ૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાયજ્ઞા અને માતાજીના દર્શનથી ભાવવિભોર બન્યા હતા.

મા ઉમાના પ્રાગટય સ્થળ ઊંઝાની પાવન ધરતી પર યોજાઈ રહેલા ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞાની અસર અને પડઘો વિશ્વના ૧ર૬ દેશોમાં વસતા પાટીદાર સમાજમાં જ નહિ પરંતુ દરેક સમાજ અને વિશ્વના દરેશ ખૂણામાં ગુંજી રહ્યો છે. ૧૮ ડિસેમ્બરથી ભારત ભરમાં સૌથી વિશાળ ૮૦૦ વીઘા જમીનમાં શરૂ થયેલા આ લક્ષચંડી મહાયજ્ઞાના ભક્તિરસમાં અઢારે વર્ણમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ છેલ્લા ચાર દિવસથી તરબોળ બન્યા છે. મહાયજ્ઞા મહોત્સવના ચોથા દિવસે શનિવારના રોજ પણ જાણે કે શ્રદ્ધાળુઓને મા ઉમિયાએ તેડુ મોક્લ્યુ હોય તેમ ચારેય દિશાઓમાથી લાખો શ્રદ્ધાળુઓએ ઊંઝાધામની વાટ પકડતાં મહાયજ્ઞાના ઉમિયાનગરમાં સવારથી જ ભક્તોનો અને દર્શનાર્થીઓનો પ્રવાહ સમાતો ન હતો.

સતત ૩ દિવસથી ચાલી રહેલો મહાયજ્ઞામાં ૪થા દિવસે પણ ૧૧૦૦ બ્રાહ્મણોએ સવારે ૭ વાગ્યેથી મુખ્ય ૧૦૮ યજમાન સહિતના યજમાનો સાથે પોતાની વૈદિક મંત્રોચ્ચાર સાથેની વિધિ આગળ ધપાવતાં આ મહામૂલા અવસરનો હિસ્સો બની આ ૧૧૦૦ બ્રાહ્મણો પણ જાણે કે લાખો શ્રદ્ધાળુઓને મળતા માતાજીના આશીર્વાદનું માધ્યમ બન્યા હતા. જેમ જેમ સમય વિતતો હતો તેમ તેમ ઉમિયાનગર ખાતે શ્રદ્ધાળુઓનો સાગર છલકાતો જતો હતો. મહાયજ્ઞાના સવારના સેશનમાં ૯:૩૦ કલાકે યોજાયેલ ધર્મસભામાં ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજીએ અને બપોરના સેશનમાં કલક્ત્તાના બેલુર મઠના સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના આશિર્વચન અને સંત વાણીનો શ્રદ્ધાળુઓને લાભ આપ્યો હતો. જ્યારે રાત્રે ૮:૦૦ કલાકે યોજાયેલા મલ્ટિમીડિયા શોમાં પાટીદારોનો ગૌરવશાળી વૈશ્વિક વૈભવ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.