અમેરિકન મીડિયાના સવાલો સામે નમતું જોખી પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાને ખાને સ્વીકાર્યું છે કે, તેમના દેશની સેના અને ગુપ્તચર એજન્સી ISIએ અફઘાનિસ્તાનમાં લડવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોને ટ્રેનિંગ આપી હતી. પરંતુ 9/11 હુમલા બાદ અમેરિકાની પડખે ઊભું રહેવું અમારી સૌથી મોટી ભૂલ હતી. તેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું હતું.
અમેરિકા પર વિશ્વાસ કરવો અમારી સૌથી મોટી ભૂલઃ ઈમરાન
ન્યૂયોર્કમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયાના સવાલોનો સામનો કરવો પડ્યો હતો. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, 1980માં સોવિયત સંઘના સમયે અફઘાનિસ્તાન મુદ્દે પાકિસ્તાને અમેરિકાનો સાથે આપ્યો હતો. સોવિયત સામે લડવા માટે પાકિસ્તાની સેના અને ISIએ આતંકીઓને ટ્રેનિંગ આપી હતી, જે થોડા સમય પછી અલકાયદા બન્યું. 1989માં જ્યારે સોવિયતે અફઘાનિસ્તાન છોડી દીધું ત્યારબાદ અમેરિકાએ પાકિસ્તાનનો સાથ છોડી દીધો. અને અલકાયદાના આતંકી સંગઠન પાકિસ્તાનમાં જ વસી ગયા. પછી જ્યારે ન્યૂયોર્કમાં 9/11 હુમલો થયો અને ફરી એક વખત પાકિસ્તાન અમેરિકાના પડખે ઊભું રહ્યું. પરંતુ આ અમારી સૌથી મોટી ભૂલ હતી.
ભારત પર દબાણ કરવા માટે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે દરમિયાનગીરી કરવી જોઈએઃ અમેરિકા
ઈમરાન ખાને જમ્મુ કાશ્મીર મુદ્દા અંગે પણ ચર્ચા કરતા કહ્યું કે, ભારતે જમ્મુ કાશ્મીરમાં લગાવાયેલા પ્રતિબંધોને હટાવવા જોઈએ. અમેરિકા જેવા મોટા દેશ, સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનોએ આ મુદ્દે દરમિયાનગીરી કરવી જોઈએ, જેથી ભારત પર દબાણ કરી શકાય.
આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઈમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈમરાન ખાનને કહ્યું કે, જો બન્ને દેશો તૈયાર હોય તો અમેરિકા જમ્મુ કાશ્મીર મુદ્દે મધ્યસ્થા કરવા માટે તૈયાર છે. જો કે, ટ્રમ્પે તેમના શબ્દોમાં સ્પષ્ટતા પણ કરી કે ભારત સાથેના તેમના સંબંધો ઘણા સારા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.