ચેકપોસ્ટ બંધ થયા બાદ આરટીઓ ઇન્સ્પેક્ટરોને રોડ પર ચેકિંગ કરવા આદેશ કરાયો છે, જેનો ઇન્સ્પેક્ટરો વિરોધ કરી રહ્યા છે. સુરક્ષા અને સુવિધા મામલે કમિશનરને રજૂઆત કરવા ગયેલા આરટીઓ ઇન્સ્પેકટરોને કમિશનરે રોકડું પરખાવતાં કહ્યું હતું કે, ‘કામ ન થતું હોય તો રાજીનામુ આપી દો, મને પૂછીને નોકરી નથી લીધી’. કમિશનરના આવા જવાબથી નારાજ ઇન્સ્પેકટરોના સંગઠને ચીમકી આપી છે કે, 10 દિવસમાં માંગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવામાં આવશે.
આરટીઓ ઇન્સ્પેક્ટરોને રોડ પર વાહન ચેકિંગમાં પડતી સમસ્યાના મુદ્દે ભારે નારાજગી છે. ઇન્સ્પેક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડી.બી.વણકરે કહ્યું છે કે, કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. પ્રશ્નોના નિકાલની કોઇ સમય મર્યાદા આપી નથી. આથી અમે દસ દિવસ રાહ જોઇશું. આ પછી ફરી વાર રજૂઆત કરીશું અને તે પછીનો કાર્યક્રમ જાહેર કરીશું. સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્સ્પેકટર એસોસિએશનના સભ્યો રજૂઆત કરવા ગયા ત્યારે કમિશનરે રજૂઆત સાંભળી જવાબ આપ્યો હતો કે, ‘મને પૂછીને નોકરી લીધી હતી? કામનું ભારણ સહન ના થાય તો રાજીનામું આપી દો.’
ઇન્સ્પેક્ટરોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. તેમના કેટલાક પ્રશ્નો અંગે સરકાર જ નિર્ણય લઇ શકે તેમ છે. આ સિવાયના પ્રશ્નો પર ચર્ચા કરાશે અને સરકાર સમક્ષ મુકાશે. ટૂંક સમયમાં તમામ પ્રશ્નનો ઉકેલ આવી જશે. – આર.ટી.ઝાલા, વાહનવ્યવહારના ઓએસડી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.