ન ભૂતો ન ભવિષ્યતિઃ લક્ષચંડી મહાયજ્ઞમાં 5 દિવસમાં 40 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટ્યા

મા ઉમિયાના પ્રાગટય સ્થળ ઊંઝા ખાતે છેલ્લા પાંચ દિવસથી યોજાઈ રહેલા ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞાની રવિવારના રોજ લાખ્ખો શ્રધ્ધાળુઓની સાક્ષીમાં ૧૧૦૦ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારની સાથે સાથે ૧૦૮ મુખ્ય યજમાન તેમજ ૧૧૦૦ અન્ય યજમાનોની પૂજા વિધિ અને મા ઉમાના જયઘોષ સાથે શ્રીફળની આહુતિ આપી પૂર્ણાહુતિ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વજગતના કલ્યાણઅર્થે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલ લક્ષચંડી મહાયજ્ઞા મહોત્સવના આ પાંચ દિવસમાં ૪૦ લાખ થી વધુ શ્રદ્ધાળુઓએ મા ઉમાના અને મહાયજ્ઞાના દર્શન કરી પોતાના જન્મારો તાર્યો હતો.

વિશ્વજગતના કલ્યાણઅર્થે પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ન ભૂતો ન ભવિષ્યતિ જેવા ઐતિહાસિક પાંચ દિવસના લક્ષચંડી મહાયજ્ઞાની પૂર્ણાહુતિના દિવસે રવિવારના રોજ સવારથી જ ઉમિયાનગર અને માતાજીના નીજ મંદિરે અને પોતાના જીવનનો મહાયજ્ઞાના દર્શનનો અમૂલ્ય લ્હાવો ચૂકી ન જવાય તે માટે માનવ મહેરામણ ઊમટી પડયો હતો. છેલ્લા પાંચ દિવસથી ૧૧૦૦ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર અને ચાલી રહેલ મહાયજ્ઞાની યજ્ઞાશાળામાં શાસ્ત્રોક્તવિધિથી પૂજાવિધિ કરાયેલ ધજાને ઉમિયાનગરથી માતાજીના નીજમંદિરે લઈ જઈને મંદિર પર આરોહણ કરાઈ હતી. સાથે સાથે પૂર્ણાહુતિ તરફ જઈ રહેલા મહાયજ્ઞાની પૂજાવિધિ ૧૦૮ મુખ્ય અને ૧૧૦૦ જેટલા સર્વસમાજના યજમાનો દ્વારા આગળ ધપાવવામાં આવી હતી. જેમાં બપોર બાદ લાખો શ્રદ્ધાળુઓની સાક્ષીમાં બ્રાહ્મણોના વૈદિકમંત્રોચ્ચાર અને શાસ્ત્રોકવિધિ અને મા ઉમિયાના જયઘોષ સાથે મુખ્ય યજમાન દ્વારા સાજે પાંચ વાગે શ્રીફળની આહુતિ આપીને તેમજ અન્ય ૧૧૦૦ યજમાનો એ પણ પોતાના હવનકુંડમાં લક્ષચંડી મહાયજ્ઞાની આહુતિ આપીને આ દશકાનો સૌથી મોટો અને ઐતિહાસિક મહાયજ્ઞાની પૂર્ણાહુતિ કરાઈ હતી. દરમ્યાન અંતિમ દિવસે સવારથી યોજાયેલી ધર્મસભામાં શંકરાચાર્ય મઠ દ્વારકા શારદાપીઠના દંડીસ્વામી દ્વારા શ્રદ્ધાળુઓને આશીર્વચન અને સંતવાણીનો લાભ અપાયો હતો. જ્યારે સાંજના શેસનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં જાહેર સમારંભ યોજાયો હતો. રાત્રે રાસગરબાની રમઝટ બાદ ઊંઝાના ગગનવિહારમાં થયેલી આતશબાજીથી સમગ્ર મહેસાણા જિલ્લો ગુંજી ઊઠયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.