સોશિયલ મીડિયા પર બેફામ મેસેજ વાઈરલ કરી લોકો ને ગેરમાર્ગે દોરનાર થઈ જજો સાવધાન,થવા જઈ રહ્યું છે આ કામ

સોશિયલ મીડિયામાં ફરતાં ખોટા, હાનિકારક, ગેરમાર્ગે દોરનારા મેસેજનું મૂળ શોધવું થોડુ મુશ્કેલ કામ છે. કેમ કે સરકારે મૂળ શોધવા માટે ખાસ પ્રયાસો કર્યા નથી. માટે સુપ્રીમ કોર્ટે આજે સરકારને આદેશ આપ્યો હતો કે સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે 3 સપ્તાહમાં ગાઈડલાઈન તૈયાર કરો. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે લોકોની અંગત માહિતી બહુ આસાનીથી સોશિયલ મીડિયામાં ફરતી થાય છે, એ અટકવી જોઈએ. જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરૂદ્ધા બોઝે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે આકરા સ્વરે સરકારને કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ ક્યાંથી આવ્યો છે, તે જાણવાની પદ્ધતિ વિકસાવવી પડશે. આપણી પાસે મેસેજને ટ્રેક કરવાની ટેકનોલોજી નથી, એવુ કારણ કે બહાનું નહીં ચાલે. ટેકનોલોજી ન હોય તો વિકસાવવી એ સરકારનું કામ છે. પરંતુ મેસેજ તો ટ્રેક થવા જ જોઈએ અને સોશિયલ મીડિયાનો દુરૂપયોગ પણ અટકવો જ જોઈએ. સુપ્રીમ કોર્ટે આ માટે કેન્દ્ર સરકારને 3 અઠવાડિયામાં એફિડેવિટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

સરકાર એવુ કારણ આપી રહી છે,કે આપણી પાસે સોશિયલ મીડિયા પર ફરતાં ફેક મેસેજ, ગુનાઈત મેસેજ વગેરેને ટ્રેક કરવાની સિસ્ટમ નથી. પરંતુ એમ કહીને સરકાર પોતે જ ઓનલાઈન ક્રાઈમને પ્રોત્સાહન આપી રહી છે, એવુ અવલોકન સુપ્રીમ કોર્ટે રજૂ કર્યું હતુ. કેમ કે ઓનલાઈન ફ્રોડ કરનારા સરકારની નિષ્ક્રિયતાનો લાભ ઉઠાવી રહ્યાં છે.

ફેસબૂકે સુપ્રીમમાં અરજી કરી હતી કે દેશની વિવિધ કોર્ટમાં ફેસબૂક સામે ચાલી રહેલા કેસ સુપ્રીમમાં ટ્રાન્સફર કરવામાં આવે. એ અરજીની સુનાવણી વખતે બે જજોની બનેલી બેંચે કહ્યુ હતું કે કોર્ટનું કામ કાયદો બનાવાનું નથી, કોર્ટ નીતિગત નિર્ણયો લેતી નથી. પરંતુ સરકાર એક વખત કાયદો બનાવે, નીતિ નિર્ધારણ કરે પછી તેનું પાલન થાય કે કેમ એ મુદ્દો કોર્ટમાં આવે તો કોર્ટ ચૂકાદો આપી શકે એમ છે. અત્યારે સોશિયલ મીડિયાના દુરૂપયોગ મુદ્દે ભારતમાં સ્પષ્ટ કાનૂની જોગવાઈ ન હોવાથી અનેક કેસો કોર્ટમાં પહોંચી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.