શહેરમાં વ્યાજખોરો બન્યા બેફામ, અમદાવાદ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં

અમદાવાદમાં વ્યાજખોરોનો ફરી એકવાર આતંક સામે આવી રહ્યો છે. બે જ દિવસમાં વ્યાજખોરોના છ કિસ્સા સામે આવ્યા છે. જેમાં કેટલાક લોકોએ કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો, કેટલાક લોકોને ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે વ્યાજખોરો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. વ્યાજખોરોએ વેપારીનું મકાન પચાવી પાડવાના બદઇરાદે મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી દાગીના પડાવી લેતા હાલ વેપારી રોડ પર આવી ગયા અને ઘર વિહોણા થઈ ગયા છે.

છગનલાલ સેન જેઓ રાણીપમાં મકાન ધરાવી હેરઆર્ટની દુકાન ચલાવે છે. ચાર પાંચ વર્ષ પહેલા તેઓને ધંધામાં મંદી આવતા તેમની દુકાને આવતા ભરતભાઇ મોદી પાસેથી તેમને ત્રણ ટકા વ્યાજે પૈસા લીધા હતા. ભરત મોદીએ કોરા ચેકો સિક્યોરિટી પેટે માંગ્યા હતા. પણ બેન્કમાં ખાતુ ન હોવાથી 100ના સ્ટેમ્પ પર તેમણે દુકાનનું લખાણ કરી આપી ત્રણ લાખ લીધા હતા, બાદમાં સામાજીક પ્રસંગો અને દીકરીઓના લગ્ન આવતા છગનલાલે 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેનું ત્રણ વર્ષ સુધી 16.20 લાખ રૂપિયા મૂડી અને વ્યાજ ચૂકવ્યું હતું. પણ બાદમાં ભરતએ મકાન પણ લખાવી લીધું હતું. અને એક દિવસ આ મકાનનું ભાડુ નક્કી કરી માલિકને જ ભાડુઆત બનાવી દીધા હતા. અને મકાન પર કબજો કરી લીધો. ફરી પૈસાની ખોટ પડતાં છગનભાઇ એ ભાડુ ન ચૂકવાતા છગનભાઇના પરિવારને ઘરમાંથી કાઢી મૂકવા ભરત મોદી અને તેનો પુત્ર તથા એક મહિલા ઘરમાં ઘૂસી ગયા અને માલ સામાન ખાલી કરી દાગીના પચાવી પાડ્યા હતા.

એકતરફ રાજ્યના પોલીસવડા અને શહેર પોલીસ કમિશનર વ્યાજખોરોના ત્રાસ હોય તેવામાં પહેલા ફરિયાદ નોંધવી તેઓ આદેશ કર્યો હતો.પણ રાણીપમાં બનેલી આ ઘટનામાં પોલીસે વેપારીને ન સાંભળી તગેડી મુક્યા હતા. વેપારી ઘરબાર વગરના થઈ ગયા તેમ છતાં પોલીસે મદદ ન કરી. આખરે ભોગ બનનાર છગનભાઇ એ કંટ્રોલ રૂમ, ડીસીપી ઝોન 2 અને કમિશનર કચેરી ધક્કા ખાધા હતા. પોલીસ કમિશનરે આ વાત ગંભીરતાથી લઈને સ્થાનિક પોલીસને ઠપકો આપતા જ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી.

હાલ તો પોલીસે ઉચ્ચ અધિકારીના આદેશ બાદ ફરિયાદ નોંધી પણ આગામી સમયમાં ઘર વગરના થઈ ગયેલા છગનભાઇને તેમનું ઘર પોલીસ અપાવી આરોપીઓને પકડશે કે કેમ તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.