૨૦૧૯ના વર્ષના અંતિમ દિવસોમાં શરીર ધ્રુજાવતી ઠંડીનો સામનો કર્યા બાદ હવે આવતીકાલથી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર છવાયેલા સાઇકલોનિક સરક્યુલેશનની અસર તળે ઠંડીમાં ઘટાડો નોંધાશે. મહત્તમ તાપમાન વધતું જશે. તેમજ માવઠાની પણ હવામાન ખાતાએ આગાહી કરી છે. અતિશય વરસાદ અને બાદમાં તીડથી પરેશાન ખેડૂતો માટે આ માવઠું નવી મુસીબત લાવશે તે નિશ્ચિત છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી ડીસામાં ૭.૫ ડિગ્રી નોંધાઈ હતી.
હવામાન ખાતાની ઠંડી ઘટવાની આગાહી વચ્ચે પણ રાજ્યમાં ઠંડીનો પ્રભાવ આજે જારી રહ્યો હતો. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તીવ્ર ઠંડીની અસર તળે જનજીવન ઠીંગરાઈ ગયું હતું. પવનની એટલી બધી ઝડપ ન હોવા છતાં પણ જેટલી ઝડપ હતી તે લોકોને આકરી લાગી હતી. લોકોની સવાર મોડી પડે છે.
બજારોમાં ચહલ-પહલ ૧૧ વાગ્યા પછી જ શરૂ થાય છે. આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૨.૩ ડિગ્રી જ હતું પરંતુ પવનની ઝડપના કારણે લોકોએ વધુ ઠંડી અનુભવી હતી. મહત્તમ તાપમાન માત્ર ૨૪ ડિગ્રી રહેવાના કારણે પણ વધુ ઠંડીનો અનુભવ થયો હતો. લોકોને આખો દિવસ ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.