ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની ઘડામણની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે પક્ષમાં એવા પ્રશ્નો પુછાઈ રહ્યા છે કે, શું નવી બોટલમાં જૂના દારૂની માફક એનાં એ જ છાપેલાં કાટલાં આ વખતેય મહત્ત્વનાં સ્થાનોએ ચઢી બેસશે કે પછી પ્રજાએ નકારી કાઢેલાઓને બાજુએ મૂકી, પક્ષની સ્વીકૃતિ વધારવા ખરા અર્થમાં ‘સર્જરી’ થશે ? પક્ષના કેટલાક આગેવાનો રાજ્ય એકમમાં સર્જરીની જરૂરિયાત અંગે રાહુલ ગાંધીએ કરેલા જૂના ઉચ્ચારણને અત્યારે ખાસ સંભારી રહ્યા છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૭માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અગાઉ રાજકોટ ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં પક્ષના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કેટલાક નેતાઓ સામે આડકતરી ચીડ વ્યક્ત કરતાં રાજ્ય એકમમાં સર્જરી કરવાની ખાસ જરૂર હોવાનું જણાવ્યું હતું.
એ તબક્કે પક્ષના એક મોટા નેતા ભડકી ગયા હતા અને એમણે અબઘડી સર્જરી કરવા છણકો કર્યો હતો. પરંતુ ચૂંટણી બાદ આ કામ હાથ ઉપર લેવાનો રાહુલ ગાંધીએ એ સમયે ઇશારો કર્યો હતો. પક્ષના કેટલાક આગેવાનો આ જૂના સંભારણા તાજાં કરતાં કહે છે કે, હવે સર્જરીની ઘડી આવી છે ત્યારે જૂનાં કાટલાંને બદલે પ્રજા સ્વીકારે એવા ચહેરાઓને નવા માળખામાં યોગ્ય સ્થાન મળવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.