નવી દિલ્હી: અમિતાભ બચ્ચનને ફિલ્મ ઉદ્યોગનો સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. 5 દાયકાની કેરિયરમાં તેમને 4વાર રાષ્ટ્રીય પુરસ્કાર અને 2015માં બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ મળી ચૂક્યું છે. 76 વર્ષની વયમાં પણ તેઓ એક સાથે 8 ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. તેમાંની પાંચ આ વર્ષે આવશે. તેમણે 1969માં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. સોમવારે રાત્રે ભાસ્કરે અભિનંદન પાઠવ્યા તો અમિતાભે કહ્યું- કૃતજ્ઞતા, આભાર, ધન્યવાદ… એક વિનયપૂર્ણ, વિનમ્ર…!
બોડી લેન્ગવેજ, આત્મવિશ્વાસ અને શિસ્તથી એન્ગ્રી યંગમેન દિલમાં વસ્યા: સલીમ ખાન
‘જંજીર’ની મારી કથાના એક પરિપૂર્ણ નાયક તરીકે હું અમિતાભને જોઉં છું. ‘જંજીર’એ ઇતિહાસ રચ્યો! તેમને ‘એન્ગ્રી યંગમેન’નું નામ આ ફિલ્મે જ આપ્યું. તેઓ આજ સુધી કલાપ્રેમીઓના દિલો પર રાજ કરી રહ્યા છે. પાંચ દાયકા સુધી પોતાનો જાદૂ કાયમ રાખનારા અમિતાભને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો, આનંદની વાત છે. આ ન્યૂઝની પ્રતિક્ષા મને ઘણા વર્ષોથી હતી. ભારતીય ફિલ્મોની યાત્રા અમિતાભ વિના પુરી થઇ નહીં શકે. આજે પણ અમિતાભ જે તાકાતની સાથે કામ કરી રહ્યા છે તે આશ્ચર્યચકિત છે. મને સૌથી પહેલાં અમિતાભના આત્મવિશ્વાસે પ્રભાવિત કર્યો. તેમની શારીરિક ભાષા, વ્યક્તિત્વ ને આત્મવિશ્વાસથી તેમની એન્ગ્રી યંગમેનની તસવીર લોકોના દિલમાં વસી છે. અમિતાભને જે પણ યશ મળ્યો, તેનું મહત્વનું કારણ તેમની પ્રતિભા જ છે. એ એક એવા કલાકાર છે જે કહાની અને સંવાદોને ન્યાય આપે છે. અમિતાભની વિવિધતા,તેમનું ઓર્ગેનાઇઝ્ડ અને શિસ્તપ્રિય જીવન શૈલીમાં જ સામેલ થઇ ગઇ છે. સિનેમા જેવી રચનાત્મક્તામાં સમયથી અલગ જનારા ક્ષેત્રમાં પણ અમિતાભ બહુ શિસ્તબદ્ધ છે. આજે તેઓ શિખર પર છે, તેના માટે તેમણે એક લાંબી મજલ કાપી છે.
આટલી ખૂબી હોવા છતાં બેપરવાહ નથી થતાં, સફળતા પચાવી લે છે: જાવેદ અખ્તર
મારા મતે અમિતાભમાં જેટલી ખૂબીઓ છે તેટલી સામાન્ય રીતે કોઇ એક માણસમાં નથી હોતી. આટલી ટેલેન્ટ હોય તો માણસ થોડો વિખેરાઇ જાય, સફળતા મળી જાય તો બેપરવાહ થઇ જાય પણ શિસ્તબદ્ધ અમિતાભ બેસુમાર સફળતા પચાવી લે છે. તેમના બધા સાથે સારા સંબંધ રહ્યા. મિડ 80માં તેમણે લીડ રોલ છોડીને કેરેક્ટર રોલ્સ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે જ તેમને આ એવોર્ડ મળી જવો જોઇતો હતો. આ ઉંમરમાં પણ તેઓ દરેક ફિલ્મને એ રીતે લે છે કે જાણે તે ફિલ્મથી જ તેમને બ્રેક મળી રહ્યો હોય. તેઓ આજે પણ સ્કૂલના બાળકની જેમ આંકની જેમ ડાયલોગ વાંચે છે. તેને એ રીતે યાદ કરે છે કે ડાયલોગ છેલ્લા શબ્દ સુધી ઊંધો પણ સંભળાવી દે. તેમનો જુસ્સો એવો રહે છે કે આગળનો સીન નક્કી કરશે કે તેમની એક્ટિંગ કરિયર આગળ છે કે નહીં? આ જે ફોકસ છે તે તેમની અંદર સતત ચાલી રહ્યું છે. જ્યારે તેઓ ટોચ પર હતા તે જમાનામાં ત્યારે પણ ઝડપ તેવી જ હતી. પોતાનું કામ પરફેક્ટ કરવાની તેમનામાં જે તમન્ના છે તે બેમિસાલ છે. ‘કુલી’ના શૂટિંગ દરમિયાન તેમને ઇજા થઇ ત્યારે તેઓ વિજેતાની માફક તેમાંથી બહાર આવ્યા. અમિતાભ પર આરોપ લાગ્યા તો પણ તેમણે કામથી જ જવાબ આપ્યો, જીભથી નહીં.(-અમિત કર્ણને જણાવ્યા પ્રમાણે)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.