સુરતઃ પુણા-કુંભારિયા રોડ પર પરવટ પાટિયા ખાતે લાઇફ વિઝન પ્રાઇવેટ ટ્રેડેક્સ લિમિટેડના નામે ઓફિસ શરૂ કરીને લાઇફ વિઝનના નામે દવા બનાવવાનો દાવો કરનાર કંપનીના સંચાલકોએ લોકોને ઊંચું વળતરની લાલચ આપી વિશ્વાસમાં લઈ 250થી વધુ લોકોને કંપનીમાં રોકાણ કરાવી ફસાવ્યા હતા. વળતર આપવાનો વખત થતાં જ સંચાલકો કંપનીને તાળું મારીને નાસી ગયા હતા. નીના સંચાલકો વિરુદ્ધ 55 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પુણા પોલીસે મુખ્ય સંચાલકની ધરપકડ કરી છે. જેના કોર્ટે 27મી સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.રાજેશ રાઘવ આહિર (ગોડાદરા. મૂળ રહે ભાવનગર), ધર્મેશ હટ્ટીસિંગ, સોલંકી અને અશ્વિન પુરુષોત્તમ ઠુમરે 2014માં લાઇફ વિઝન ટ્રેડેક્સ પ્રા.લિમાં લોકોને રોકાણ કરાવવા માટે લાલચ આપી હતી. ઘણા લોકોએ રોકાણ કર્યું હતું. વળતરના સમયે ગઠિયાઓએ કંપનીને તાળું મારી નાસી ગયા છે. રવિવારે 8 જણા પુણા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા. આશા પ્રમોદ શાહ (ઉ.વ. 55, રહે. ડિંડોલી)ની ફરિયાદ લઈને ત્રણ વિરુદ્ધ 55 લાખની છેતરપિંડીની એક ફરિયાદ દાખલ કરી છે. જેમાં આઠ લોકોએ તેમની સાથે છેતરપિંડીની વાત કરી છે. પોલીસે મુખ્ય સંચાલક રાજેશ આહિરની ધરપકડ કરી છે.
લોભામણી સ્કીમો, ફિક્સ ડિપોઝિટના નામે રોકાણ કરાવ્યું
ગઠિયાઓ લોકોને કહેતા કે, 11,000 રૂપિયા રોકાણ કરો તો 15 વર્ષે 72,000 રૂપિયા મળશે. 51,000 રૂપિયા રોકાણ કરો તો દસ વર્ષે 3,50,000 રૂપિયા મળશે. એક લાખ રૂપિયા રોકાણ કરશો તો 42 મહિને ડબલ રૂપિયા મળશે અને 5 લાખ રૂપિયા રોકાણ કરશો તો 32 મહિને 20 લાખ રૂપિયા પરત મળશે. ઉપરાંત ફિક્સ ડિપોઝિટ પણ કરાવતા હતા. લોકો ઠગોની લોભામણી વાતોમાં આવીને પોતાની બચતની પૂંજી ગઠિયાઓને આપી હતી.
છેલ્લે ગઠિયાઓએ કંપનીનું નામ બદલ્યું
ઠગોએ કંપની શરૂ કરી ત્યારે તેનું નામ લાઇફ વિઝન ટ્રેડેક્સ પ્રાઇવેટ લિમિટેડ હતું. ત્યાર બાદ થોડા સમયમાં જ કંપનીનું નામ બદલીને લાઇફ વિઝન પરિવાર કરી નાખ્યું હતું. લોકો કંપનીમાં રોકાણ કરતા થયા ત્યારે ગઠિયાઓ તેમને સર્ટિફિકેટ આપતા હતા. જેમાં કેટલી રકમ ભરી છે તે આંકડો અને મેચ્યુરિટી પર કેટલી રકમ મળશે તેનો ઉલ્લેખ રહેતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.