સુરતના મોટા વરાછામાં સ્ટ્રેસમાં આવીને બ્રિજ પર આપઘાત કરવા નીકળેલા 17 વર્ષના કિશોરને ફાયરે બચાવ્યો….

સુરતમાં 17 વર્ષના એક કિશોરે ભણતરના ભારથી કંટાળી આપઘાત કરવાના ઈરાદે બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહદારી અને વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી ફાયર બ્રિગેડને કોલ કરી જાણ કરી અને બોલાવી લેતા લાશ્કરો વીજળી વેગે બ્રિજ પર પહોંચી જઈને કિશોરને બચાવી લીધો હતો.

આજે ગુરુવારે સવારે 11 કલાકે વરાછા ફાયર બ્રિગેડને યોગેશ નામના એક નાગરિકે ફોન કરીને એવી માહિતી આપી હતી કે મોટા વરાછાના બ્રિજની પાળી પર એક કિશોર બેઠો છે અને તે તાપી નદીમાં કૂદી આપઘાત કરવાનો હોય તેવું લાગી રહ્યું છે અને આ કોલ મળતા તરત જ વરાછા ફાયરના લાશ્કરો મોટા વરાછા બ્રિજ પર દોડી ગયા હતા અને જ્યાં આર્યન યોગેશભાઈ તળાવીયા નામનો 17 વર્ષીય કિશોર પાળી પર બેઠો હતો. આ કિશોર તાપીમાં કૂદી આપઘાત કરવા જઈ રહ્યો હતો, પરંતુ લાશ્કરોએ તેમને સમજાવીને બચાવી લીધો હતો. ફાયર અધિકારી રાહુલ બાલાસરાએ કહ્યું કે, અમે જ્યારે બ્રિજ પર પહોંચ્યા ત્યારે આર્યન કૂદવાની પોઝિશનમાં બ્રિજની પાળી પર બેઠો હતો. અમે તેને આપઘાત નહીં કરવા સમજાવ્યો. થોડી વારની સમજાવટ બાદ તે ઉપર આવવા તૈયાર થયો ત્યારે અમે તેને ઊંચકીને લાશ્કરો બ્રિજ પર લઈ ગયા હતા.

બાલાસરાએ વધુમાં જણાવ્યું કે કિશોરનું નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હતું. બચાવી લેવાયા બાદ તે રડી પડ્યો હતો અને આર્યન મોટા વરાછાના એબીસી સર્કલ પાસે આવેલી સારથી રેસિડેન્સીમાં રહે છે. આર્યન પોતે કેનેડા જવાની તૈયારી કરતો હતો. IELTSની પરીક્ષાની તૈયારી કરતો હતો અને પરીક્ષામાં પાસ થશે કે નહીં તે ચિંતામાં તણાવમાં આવી ગયો હતો. નિષ્ફળતાના ભયમાં તે આપઘાત કરવા બ્રિજ પર પહોંચી ગયો હતો અને અમે તેને બચાવી વાલી તથા પોલીસને હવાલે કર્યો હતો, જ્યાં તેનું કાઉન્સેલિંગ કરાયા બાદ ઘરે મોકલી આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.