ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા, રાજકોટ, સુરત સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન તો ક્યાંક ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેમજ ધોધમાર વરસાદને કારણે તંત્રની પોલ પણ ખુલી જવા પામી છે અને ત્યારે વાત કરીએ સુરતની તો સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો ક્યાંય ડેમ ઓવરફ્લો થયો છે. પરંતુ વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી !
સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો ભાગ એકાએક નમી પડ્યો. સરોલી ઓવરબ્રિજનો એક તરફનો ભાગ ધસી પડ્યો હતો અને વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જો કે કોઇ સદનસીબે જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યુ નથી પરંતુ ઓવરબ્રિજ નમી પડતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. તંત્રએ બેરિકેડ મૂકીને ધસી ગયેલા ભાગને કોર્ડન કર્યો હતો અને લગભગ 50થી 60 ફૂટ જેટલો બ્રિજનો ભાગ બેસી ગયો છે. વર્ષો પહેલા આ બ્રિજ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવાયો હતો અને માટી નાંખીને આજુબાજુ દિવાલ ચણીને આ એપ્રોચ રોડ બનાવી દેવાયો હતો જેને કારણે આ દુર્ઘટના સર્જાઇ અને આ બ્રિજનો કોઇ ઓલ્ટરનેટીવ ન હોવાથી બ્રિજ ચાલુ રખાયો હતો. પરંતુ હાલ તો તંત્ર દ્વારા સમારકામની કામગીરી તાબડતોબ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ સ્થળ મુલાકાત લીધી અને નિવેદન આપતા જણાવ્યું કે ભારે વરસાદને કારણે આવુ બન્યું જેને લઈને તાત્કાલિક અસરથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તેમજ બ્રિજના સમારકામનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. તો તંત્ર દ્વારા એમ પણ જણાવાયુ કે અલટરનેટ રૂટ પણ બનાવવામાં આવી રહ્યો છે. અને નમી પડેલા બ્રિજનું તાત્કાલિક સમારકામ કરીને સાંજે સુધીમાં ખુલ્લો મુકી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.