કામરેજમાં ભંગારના ગોડાઉનમાં કારની LPG કીટ ખોલતા સમયે લાગી આગ, માલિક સહિત ત્રણ દાઝ્યા

સુરતના કામરેજ ખાતે ઉદ્યોગનગરમાં ભંગારના ગોડાઉનમાં શુક્રવારે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં આગ ભડકી ઉઠતા માલિક સાહિત ત્રણ જણા દાઝી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં કામરેજ ઇમરજન્સી રેસ્કયૂ સેન્ટર (ઇઆરસી)ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જોકે, ફાયરની ટીમ પહોંચે તે પહેલા ગોડાઉનના માલિક કાંતીલાલ ગુર્જર (ઉ.વ.50) અને મોહનભાઈ (ઉ.વ.60), અશોકભાઇ (ઉ.વ.35)ને સ્થાનિક લોકોએ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફાયર ઓફિસર પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે, આગમાં ગોડાઉનમાં પડેલા સાયકલના ટાયર સહિતનો વેસ્ટેજ સામાન બળી ગયો હતો અને ગોડાઉનમાં એક કારની એલપીજી કિટ ખોલતી વખતે લીકેજ થયું હતું, જેને લીધે ફ્લેશ ફાયર થતા આ ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ધટના ટળી હતી.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા અઠવાડિયામાં સુરતમાં આગ લાગવાનો બનાવોમાં વધારો થયો છે. જુલાઈ 23ની મોડી રાત્રે પાંડેસરા વિસ્તારમાં આવેલ સુખીનગર સોસાયટીમાં કુશવાહ પરિવારના ઘરમાં મોડીરાત્રે અચાનક ગેસનો સિલિન્ડર લીકેજ થયો હતો, જેના કારણે આગ લાગી હતી અને જેમાં પતિ-પત્ની તેના ત્રણ વર્ષના બાળક સહીત કુલ ચાર આગની ઝપેટમાં આવી જતા દાજી ગયા હતા.

તો 26 જુલાઈના રોજ સુરત-બારડોલી નગરના નવદુર્ગા સોસાયટીમાં આગની ઘટના બની હતી, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. જ્યારે તાજેતરમાં જ સુરતના પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટોપમાં આગ લાગવાની ઘટનાબની હતી અને આમ છેલ્લા સપ્તાહ દરમિયાન સુરતમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો હોય તેવી ઘટના સામે આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.