ઇલેક્ટ્રિક મોપેડ અને બાઇકનું વેચાણ અને વપરાશ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેની સાથે બેટરી વિસ્ફોટ અને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આવી જ એક ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામમાં બની હતી જ્યારે રાત્રિના સમયે ચાર્જિંગ માટે રાખવામાં આવેલી ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં આગ લાગી હતી. ઘટના બાદ સ્વજનોએ હોબાળો મચાવ્યો હતો અને આ અકસ્માતમાં પરિવાર તો બચી ગયો હતો પરંતુ આગમાં ઘર બળીને ખાખ થઈ ગયું હતું.
આ બનાવ અંગે વિગતે જણાવતા અંત્રોલી ગામમાં વહેલી સવારે 4 વાગ્યે ઈલેક્ટ્રીક બાઇકની ચાર્જીંગ બેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના બાદ ઘરના સભ્યો ગભરાઈ ગયા હતા. ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ થતાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટના અવાજથી ઘરના સભ્યો જાગી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પહેલા તો ઘરના લોકો સમજી જ ન શક્યા કે અવાજ શેનો હતો. પરંતુ આગ લાગતા તેઓ ઘરમાંથી ભાગી ગયા હતા અને બેટરી ફાટવાના અવાજથી આસપાસના લોકો પણ જાગી ગયા હતા. આગ ઓલવવા આસપાસના લોકોએ જાતે પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ફાયર બ્રિગેડ આવે તે પહેલા સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ફાયર વિભાગની ટીમે પણ કાર્યવાહી શરૂ કરી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે આગના કારણે ઘરનું તમામ ફર્નિચર પણ બળીને ખાખ થઈ ગયું હતું અને ધુમાડાના કારણે ઘરની દિવાલો કાળી થઈ ગઈ હતી અને બેટરી વિસ્ફોટ આગના કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દેશભરમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે તે રીતે ઈ-વાહનોનું વેચાણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની સાથે સબસિડી પણ આપી રહી છે અને આ જ કારણ છે કે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે આગળ આવી રહ્યા છે. પરંતુ આવી ઘટના સામે આવતાં સૌ કોઈ વિચારી રહ્યા છે કે આ ઈલેક્ટ્રીક વાહનની બેટરીના કારણે જાનમાલના નુકશાનનું જોખમ લેવું જોઈએ કે કેમ?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.