UPના મથુરા જિલ્લાના એક વકીલે માત્ર 20 રૂપિયા માટે 22 વર્ષ સુધી લડી કાયદાકીય લડાઈ, થઈ જીત..

UPના મથુરા જિલ્લાના એક વકીલે રેલવે પાસેથી 20 રૂપિયા માટે 22 વર્ષથી વધુ સમય સુધી લડ્યા બાદ આખરે જીત મેળવી છે અને હવે રેલવેએ આખી રકમ 20 રૂપિયા વાર્ષિક 12 ટકાના દરે એક મહિનામાં ચૂકવવી પડશે.

આ સાથે 15,000 રૂપિયાનો દંડ આર્થિક અને માનસિક પીડા અને મુકદ્દમાના ખર્ચ તરીકે ચૂકવવા પણ સૂચના આપવામાં આવી છે અને આ કેસમાં જિલ્લા ગ્રાહક ફોરમે 5 ઓગસ્ટે ફરિયાદનો નિકાલ કરતી વખતે એડવોકેટની તરફેણમાં નિર્ણય કર્યો છે.

મથુરાના હોલિગેટ વિસ્તારના રહેવાસી એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ સોમવારે જણાવ્યું કે, 25 ડિસેમ્બર, 1999ના રોજ તેઓ તેમના એક સહયોગી સાથે મુરાદાબાદ જવા માટે ટિકિટ લેવા માટે મથુરા કેન્ટોનમેન્ટની ટિકિટ બારી પર ગયા હતા.

તે સમયે ટિકિટ 35 રૂપિયા હતી અને તેણે બારી પર હાજર વ્યક્તિને 100 રૂપિયા આપ્યા, જેણે બે ટિકિટના 70 રૂપિયાને બદલે 90 રૂપિયા કાપી લીધા અને પૂછવા છતાં તેણે બાકીના 20 રૂપિયા પરત કર્યા નહી

ચતુર્વેદીએ જણાવ્યું કે મુસાફરી પૂરી કર્યા પછી, તેમણે મથુરા કેન્ટોનમેન્ટને પક્ષકાર બનાવતા જિલ્લા ગ્રાહક ફોરમમાં ‘નોર્થ ઈસ્ટ રેલવે’ (ગોરખપુર) અને ‘બુકિંગ ક્લાર્ક’ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને જ્યારે, 22 વર્ષથી પણ વધુ સમય પછી, 5 ઓગસ્ટના રોજ આ મામલો ઉકેલાયો છે.

કન્ઝ્યુમર ફોરમના પ્રમુખ નવનીત કુમારે રેલ્વેને એડવોકેટ પાસેથી વસૂલેલા 20 રૂપિયા વાર્ષિક 12 ટકાના દરે વાર્ષિક વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો અને સુનાવણી દરમિયાન, એડવોકેટને થયેલી માનસિક, નાણાકીય પીડા અને મુકદ્દમાના ખર્ચના રૂપે 15,000 રૂપિયા દંડ તરીકે આપવામાં આવે, એમ ફોરમે જણાવ્યું છે.

તેમણે એવો પણ આદેશ આપ્યો છે કે, જો રેલવે દ્વારા નિર્ણય જાહેર થયાના દિવસથી 30 દિવસની અંદર આ રકમ ચૂકવવામાં નહીં આવે તો વાર્ષિક 12ને બદલે વાર્ષિક 15 ટકા વ્યાજ ચૂકવીને 20 રૂપિયા પરત કરવાના રહેશે.

એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘રેલવેના બુકિંગ ક્લાર્કે તે સમયે 20 રૂપિયા વધુ વસૂલ્યા હતા અને તેણે હાથથી બનાવેલી ટિકિટ આપી હતી, કારણ કે તે સમયે કમ્પ્યુટર નહોતા. 22થી વધુ વર્ષ લડાઈ લડ્યા પછી, આખરે જીત મળી ગઈ.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.