ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓના આંખ મિચામણા વચ્ચે મોડી રાતે સુરતમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ અને સચિન જીઆઈડીસી વિસ્તારની ખાડીમાં ઝેરીલુ કેમિકલ અંધારી રાતે ઠલવાતા ગેસ ગળતર થયું છે અને જેના કારણે 25 કામદારોના શ્વાસ રૂંધાયા. તેમજ આ પૈકી છના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સાત લોકો વેંટીલેટર પર તો 15 લોકો ઓક્સિજન પર સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
રાતે અઢી વાગ્યાની આસપાસ વડોદરા પાસિંગનું GJ 06 ZZ 6221નું ટેંકર ખાડીમાં કેમિકલ ઠાલવી રહ્યુ હતુ. એબીપી અસ્મિતાની ચકાસણીમાં આ ટેંકર ગુરવિંદરસિંહ નામના વ્યક્તિના નામથી વડોદરા આરટીઓમાં રજિસ્ટર થયું છે. દુર્ઘટના સર્જાતા આ વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ હતી.
રાતની શિફ્ટમાં કામ કરતા સમયે આસપાસ ચ્હા નાસ્તો કરવા નિકળેલા કામદારો આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને વહેલી સવારે પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સાથે જ સઅપરાધ માનવવધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. જો કે આ ટેંકર ક્યાંથી આવ્યુ હતુ અને કોણે મોકલ્યુ હતુ. તેની જાણકારી હજુ સુધી પોલીસ આપી શકી નથી.
દુર્ઘટનાને લઈને સૌ પ્રથમ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્વિટરના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યુ. તો મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે પણ આ દુર્ઘટના માટે શોક વ્યક્ત કર્યો છે.
જો કે આ દુર્ઘટના પૂર્ણ રીતે માનવસર્જીત છે અને સુરત અમદાવાદ જેવા શહેરોમાં રાત્રીના અંધારામાં કેમિકલ માફિયાઓ ખાડીઓમાં કેમિકલ ઠાલવતા હોવાની અનેક ફરિયાદોની વચ્ચે પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિંદ્રાધીન તંત્રએ ક્યારેય નક્કર કાર્રવાઈ કરી નથી.
કારણ કે આ પ્રકારની દુર્ઘટનાએ બને છે ત્યારે થોડા દિવસ માટે તપાસની વાર્તાઓ થાય છે. અને ત્યાર બાદ હપ્તાખોર અધિકારીઓ લીપાપોતી કરીને સમગ્રકાંડ પર પડદો પાડી દે છે. ત્યારે સવાલ એ છે કે માફિયાઓ સામે જ કેમ ? જે તે વિસ્તારના પ્રદુષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે કાર્રવાઈ કેમ નહી?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.