મોટા વરાછાના વી આઇ પી સર્કલ પાસે સિગ્નલ તોડીને ભાગતા કાર ચાલકને ટી આર બી જવાને રોકતા ચપ્પુ લઈ ટીઆરબી જવાન પાછળ દોડ્યો

સુરતના મોટા વરાછા ખાતે વીઆઈપી સર્કલ પાસે સોમવારે એક કાર ચાલકે સિગ્નલ તોડતા ફરજ પર હાજર ટીઆરબીએ કારના પાછળના કાચમાં હાથ માર્યો હતો અને જેથી કાર ચાલકે નીચે ઉતરીને ટીઆરબી ઉપર હૂમલો કરી માર માર્યો હતો. તેમનાથી બચીને ભાગેલા ટીઆરબી જવાનની પાછળ એક અજાણ્યો ચપ્પુ લઈને આવી જાનથી મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાઈ હતી.

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલી ફાયર સ્ટેશન પાસે ગણેશ રેસીડેન્સીમાં રહેતો 22 વર્ષીય મયુર ઘનશ્યામભાઈ કૌશલ ટીઆરબીમાં ફરજ બજાવે છે. ગઈકાલે સાંજે મોટા વરાછા વીઆઈપી સર્કલ પાસે ફરજ પર હાજર હતો અને ત્યારે એક અર્ટીગા કાર ચાલક સિગ્નલ તોડીને ભાગતો હતો અને જેથી મયુરે હાથ બતાવી કાર ઉભી રાખવા ઇશારો કર્યો છતાં કાર સ્પીડમાં ભગાવી હતી. જેથી મયુરે કારની પાછળ કાચ પર હાથ માર્યો હતો. જેથી બે અજાણ્યા રસ્તાની વચ્ચે કાર ઉભી રાખીને નીચે ઉતરી મયુરને ‘હું વરાછાનો પાર્થ તથા આ જયદિપ ઉર્ફે ડુટ્ટો છે’ તેમ કહીને ગાળો આપી માર માર્યો હતો.

બંનેથી બચીને મયુર અમરોલી બ્રિજ તરફ ભાગ્યો હતો અને ત્યારે પાર્થ ચપ્પુ લઈને તેની પાછળ ભાગ્યો હતો. અને મયુરને જાનથી મારવાની ધમકી આપી હતી. મયુરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના (CCTV) આધારે આરોપી પાર્થ મુકેશભાઈ સરોલા (ઉ.વ.22, રહે. વર્ષા સોસાયટી, એલએચ રોડ, વરાછા) અને જયદીપ બાબુ ટીમ્બડીયા (ઉ.વ.24, રહે, માતાવાડી એલએચ રોડ) ની ધરપકડ કરી તેમની કાર અને ચપ્પુ કબજે લઈ વધારે તપાસ હાથ ધરી હતી. બંને આરોપી ઓનલાઈન માર્કેટીંગનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.