કતારગામમાં શ્યામ રેસીડેન્સીમાં રહેતા 25 વર્ષના વિજયભાઈ મહિપતભાઈ આહીર એ વરાછા પોલીસ સ્ટેશનમાં મહેશ નગુભાઈ પામક અને હિમ્મત જગુભાઈ શિયાળની સામે ખૂન કરવાનો ગુનો નોંધાવ્યો છે. વિજયભાઈ વરાછા મોહનની ચાલ પાસે મુરલીધર નામની પાનની દુકાન ચલાવે છે. ગઈકાલે વિજય અને તેનો ભાઈ વિશાલ દુકાને બેઠા હતા. ગઈકાલે રાત્રે સાડા દસેક વાગે તેમની દુકાન પાસે મહેશ નગુભાઈ પામક તથા હિમ્મત જગુભાઈ શિયાળ અને અન્ય પાંચ છ લોકો બેસેલા હતા. ત્યારે મહેશ પામકે એક સિગારેટ ખરીદી હતી. અને તેના થોડા પૈસા આપ્યા હતા. વિશાલે તેને સિગારેટના પુરા પૈસા આપવા માટે કહ્યું.
વિશાલે તેને પુરા પૈસા આપવાનું કહેતા મહેશે પૈસા દુકાનમાં ફેંકી દીધા હતા. વિશાલે પૈસા ફેંકવાની ના પાડી તો મહેશે હું હમણાં આવું છુ તેમ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. અને થોડીવારમાં તેની સાથે હિમત શિયાળ અને છ બીજા અજાણ્યાઓ આવીને વિશાલને માર મારી દુકાનમાં પડેલો સામાન ફેંકવા લાગ્યા હતા. બંને ભાઈઓએ આવુ નહીં કરવા માટે કહ્યું હતું. ત્યારે હવે તું તારી આ દુકાન કેમ ચાલુ રાખે તે જોઈએ છીએ અને જતા જતા હવે દુકાન ખોલિશ તો તને કે તારા ભાઈને જીવતા નહિ રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. આ અંગે બંને ભાઈઓએ તેમના પિતા અને માસાને જાણ કરતા તેઓ દુકાને આવ્યા હતા. અને બંને ભાઈઓને ઘરે મોકલી આપ્યા હતા. પછી દુકાને તેમના મિત્ર સુનિલ ચૌહાણ અને વિરલ વાડોલીયા બેસેલા હતા. બાદમાં રાત્રે આશરે 11 વાગે વિશાલ દુકાન પાસે ઉભો હતો અને તેણે દુકાન બંધ કરી હતી.
આ અરસામાં મહેશ પામક, હિમ્મત શિયાળ અને તેમની સાથે આઠક અજાણ્યાઓ લાકડાના દંડા અને છરીઓ લઈને આવ્યા હતા. અને આવીને બધાને આડેધડ મારવા લાગતા વિશાલ સહિત બધા ત્યાંથી છટકી ગયા હતા. જેથી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને દુકાને ગયા તો સુનિલ ચીથરભાઈ રબારીને ટોળામાંથી કોઈકે ગળાના ભાગે છરી મારી દીધી હોવાથી લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. આ સિવાય વિશાલ, પ્રિન્સ જોષીને મુંઢ માર વાગ્યો હતો. રાહુલ લુવાને હાથના અંગુઠે છરીનો ઘા વાગ્યો હતો. તેમને 108 માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડતા હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. વરાછા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પાંચ આરોપીઓની અટકાયત કરી હોવાની જાણ મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.