આ કોંગ્રેસી નેતા સ્યૂસાઈડ નોટ મુકી ગુમ, લખ્યું ‘ભાજપ MLA જેઠા ભરવાડ સહિતના લોકોની હેરાનગતિ

‘મુખ્ય ત્રાસ આપનાર શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ, ત્રાસ આપનાર- 1 શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રજાપતિ, શહેરા મામલતદાર મેહુલ ભરવાડ, ભૂસ્તર શાસ્ત્રી ગોધરાના શેખ. મારી સંગીની તને ખબર જ છે કે જ્યારથી હું આ જેઠા ભરવાડ વિરુદ્ધ વિધાનસભા લડ્યો ત્યારથી આર્થિક તથા માનસિક રીતે હેરાન થઉ છું.’ આવું ઘણું બધું લખી બે પાનાની અંતિમચિઠ્ઠી મુકી શહેરાના કોંગ્રેસના નેતા ઘરેથી ગુમ થઈ ગયા છે. તેમની ગુમ થયાની વાત મળતાં જ પરિવાર સહિત લોકોનું મોટું ટોળું શહેરા પોલીસ મથકે પહોંચ્યું હતું. લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કરી લીધો છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં નાડા ગામે રહેતા કોંગ્રેસના નેતા રંગીતભાઈ પગી પોતાના ઘરે સ્યૂસાઈડ નોટ મુકીને ગુમ થઈ ગયા છે. તેમની ઘણી શોધખોળ છતાં તે મળી આવ્યા નથી. આ સ્યૂસાઈડ નોટમાં ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સહિતના અધિકારીઓના નામ છે તે ઉપર દર્શાવ્યા છે. આ સ્યૂસાઈડ નોટમાં તેઓ કેવી રીતે હેરાન થઈ રહ્યા છે તેનો પણ ઉલ્લેખ છે. જે સ્યૂસાઈડ નોટ્સ પણ અહીં દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, રંગીતભાઇ પહેલા ભાજપમાં હતા. વર્ષ 2012માં શહેરા બેઠક પરથી તે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. તેમના કહ્યા મુજબ ત્યારથી તેઓને હેરાન કરવામાં આવતા હતા. તેમની સસ્તા અનાજની દુકાન સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. તેમના દ્વારા સ્યૂસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને અન્ય અધિકારીઓ તેમને ખોટી રીતે હેરાન કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.