કેજરીવાલે હાલ પૂરતા હથિયાર હેઠા મુક્યા તે ભવિષ્યમાં સ્થિતિ વણસે તો દોષનો ટોપલો કેન્દ્રના માથે નાખી શકાય તેની પૂર્વતૈયારી..??
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આગામી દિવસોમાં દિલ્હીમાં કોરોનાના કેસમાં ભારે વધારો થશે તેમ જણાવ્યું હતું. સાથે જ હવેથી કેન્દ્રના આદેશ અનુસાર દિલ્હીની તમામ હોસ્પિટલમાં બધા જ લોકો સારવાર કરાવી શકશે અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલના આદેશનું પાલન કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.
LGના આદેશનું સંપૂર્ણ પાલન થશે
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ‘દિલ્હી સરકારે પહેલા દિલ્હીની હોસ્પિટલ્સમાં ફક્ત દિલ્હીવાસીઓની જ સારવાર કરાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ ઉપરાજ્યપાલે તે નિર્ણય પલટી દીધો છે. ઉપરાજ્યપાલે દિલ્હીની તમામ હોસ્પિટલમાં દરેક વ્યક્તિની સારવાર થશે તેવો આદેશ આપ્યો છે. કેન્દ્ર અને એલજી (ઉપરાજ્યપાલ)એ આદેશ આપ્યો છે માટે હવે કેન્દ્રનો જે નિર્ણય હશે તેને લાગુ કરવામાં આવશે અને તે અંગે કોઈ ઝઘડા નહીં થાય. હું બધાને મેસેજ આપવા માંગુ છું કે કેન્દ્રનો નિર્ણય લાગુ કરવામાં આવશે. આ એક ભારે મોટો પડકાર છે.’
કોરોના બોમ્બ ફુટવાનો ભય
કેજરીવાલે SDMAની બેઠકનો હવાલો આપીને જણાવ્યું કે, રજૂ કરાયેલા આંકડાઓ આગામી દિવસોમાં દિલ્હીમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાશે તેમ દર્શાવે છે. 15મી જૂન સુધીમાં દિલ્હીમાં કોરોનાના 44 હજાર કેસ થઈ જશે તથા 30 જૂન સુધીમાં એક લાખ, 15 જુલાઈએ બે લાખ અને 31મી જુલાઈએ લગભગ 5.32 લાખ કેસ થઈ જશે.
દોષનો ટોપલો કેન્દ્રના માથે નાખશે
અત્યાર સુધી ફક્ત દિલ્હીના લોકોની ચિંતા કરતા કેજરીવાલે અચાનક પોતાનું સ્ટેન્ડ કેમ બદલ્યું તે સવાલો ઉભા કરે છે. મનીષ સિસોદિયાએ પણ 31મી જુલાઈ સુધીમાં દિલ્હીમાં કોરોના કેસની સંખ્યા 5.5 લાખ થઈ શકે છે તેવું ભયાનક ચિત્ર રજૂ કર્યું હતું માટે કેજરીવાલે પાછીપાની કરી હોવાનું માનવામાં આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.