આ વેકેશનમાં સુરત આસપાસ ક્યાંય નદીએ નહાવા જવાનું વિચારો છો ? તો ચેતજો. તંત્રની બેદરકારી ક્યાંક તમારો જીવ ના લઈ લે.

ગરમી શરુ થઈ રહી છે અને શાળાઓમાં વેકેશન પણ પડી ગયા છે એટલે આપણને સૌને ઈચ્છા થાય કે ચાલો કોઈ પ્રાકૃતિક જગ્યાએ પરિવાર સાથે ન્હાવા જઈએ પણ આવું આયોજન કરતાં પહેલા થોડા ચેતજો. તંત્રની બેદરકારીને કારણે ખોદાઈ ગયેલી નદીઓ અને અસુરક્ષિત નદીકાંઠાઓ ક્યાંય તમને મજાની જગ્યાએ જીવનભરની સજા ન આપી દે. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં ડૂબી જવાની આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે પણ ડૂબવાના સાચા કારણથી અજાણ ભોળા લોકો નસીબને દોષ દઈને ટૂંક સમયમાં બધું ભૂલી જાય છે અને એને કારણે તંત્ર બેદરકારીની ઉંઘમાંથી ક્યારેય જાગતું નથી. આ ડૂબવાની ઘટનાઓ પાછળ મહદઅંશે જવાબદાર હોય છે નદીના પેટાળને ચીરી ચીરીને એમાંથી કાઢવામાં આવતી રેતી અને ખનીજો તેમજ એને કારણે નદીમાં સર્જાઈ જતાં ઉંડા ઉંડા ખાડાઓ જે ઉપરથી જોતા નરી આંખે લોકોને દેખાતા નથી. કાંઠેથી જોતાં એમ લાગે કે પાણી તો એકદમ છીંછરુ છે અને કોઈ ખતરો નથી પણ જેવા તમે ડૂબકી મારો કે સીધા ૧૫-૨૦ ફૂટ ઉંડા ખાડામાં ગરકાવ થઈ જાઓ અને ગમે એવું તરતાં આવડતું હોય તોપણ પોતાના પરનો કાબુ ગુમાવી બેસો અને પરિવારને આપી બેસો જીવનભરની પીડા અને એકલતાં.

૧૦ માર્ચ, ૨૦૨૦ના રોજ માંડવીના રામેશ્વર મંદિર પાસેના નદી કાંઠે આવી જ એક કમકમાટી ભરી ઘટના બની ગઈ. સુરતથી ૩ લોકોના પરિવારો ધુળેટી નિમિત્તે ન્હાવા અને આનંદ કરવા માટે આ જગ્યાએ ગયા હતા પણ ઉપર કહ્યું તેમ પાણી છીછરું છે એમ માનીને કાંઠે બેઠા બેઠા જ ન્હાવાનો પ્રયત્ન કર્યો અને કાંઠા નજીકનો જ ઉંડો ખાડો ૩ જણને ભરખી ગયો. ડૂબી જનારા ૩ લોકોમાંથી શાંતિભાઈ નનુભાઈ સેંજલીયા અને અતુલભાઈ વશરામભાઈ સેંજલીયા ૪૦-૪૫ વર્ષની વયના પારિવારિક જવાબદારીવાળા વ્યક્તિઓ હતા અને રૂદ્રાક્ષ અશ્વિનભાઈ કાથરોટિયા માત્ર ૯ વર્ષનો બાળક હતો.

૩ લોકોના જીવ લેનારી ઘટના બન્યા બાદ પણ એ જગ્યાએ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ ચેતવણીની સુચના કે પહેરાની વ્યવસ્થા કરવામાં આવી નથી. હજુ પણ લોકો એ જ ગોજારી જગ્યાની આસપાસ છૂટથી ફરે છે અને એમને આ ખતરાની જાણકારી આપવા માટે ત્યાં નથી કોઈ બોર્ડ કે નથી કોઈ પહેરો. આટલી બેદરકારી ? આટલી અસંવેદનશીલતા ? શું માણસના જીવનની કોઈ કિંમત નહીં ? ૩-૩ લોકોના મોત પણ તંત્રની ઉંઘ ઉડાડવા માટે પૂરતા નથી ? મૃતકોના પરિવારજનોએ આ અંગેની તમામ ફરિયાદો રાષ્ટ્રપતિ શ્રી, પ્રધાનમંત્રીશ્રી, કેન્દ્રીય ખનન વિભાગ, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, રાજ્ય પોલીસવડાશ્રી, સુરત જીલ્લા કલેક્ટરશ્રી તેમજ સુરત પોલીસ અધિક્ષકશ્રીને કરેલ છે. આ સાથે પરિવારજનોએ આ ઘટનાની SIT તપાસ તેમજ નિરાધાર થઈ ગયેલા બાળકોના ભરણપોષણ અને શિક્ષણ માટે ૧-૧ કરોડ રૂપિયાના વળતરની પણ માંગણી કરી છે. પરિવારજનોએ વિશેષમાં એ વિનંતી પણ કરી છે કે ગેરકાયદે ચાલતું તમામ ખનન તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ તેમજ કાયદેસર ખનન થયા પછી પણ કંપનીએ તેમજ તંત્રએ ખનનની જગ્યાએ સુરક્ષાના તમામ પગલાંઓ લેવા જોઈએ જેથી કરીને હવે ભવિષ્યમાં કોઈ પણ જાનહાની ન થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.