ઐતિહાસિક ચુકાદો-નવા ડેથ વોરંટ અનુસાર નિર્ભયા કાંડના ચારેય દોષીઓને હવે 20 માર્ચના રોજ સવારે 5.30 વાગ્યે ફાંસી અપાશે

દેશના બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસમાં દિલ્હી કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. નવા ડેથ વોરંટ અનુસાર, ચારેય દોષીઓને હવે 20 માર્ચના રોજ સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ ચારેય દોષીઓ પાસેના બધા જ કાયદાકીય વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે.

આ અગાઉ નિર્ભયાના દોષીઓને ફાંસી આપવા માટે ત્રણ ડેથ વોરંટ જાહેર થઈ ચુક્યા હતા, પરંતુ દર વખતે દોષીઓ દ્વારા કોર્ટમાં અરજી કરાતા તેમના ડેથ વોરંટને રદ્દ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ચારેય દોષીઓ પાસે રહેલા બધા જ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઈ ગયા છે. આ અગાઉ 3 માર્ચે તેમને ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ જાહેર કરાયું હતું, પરંતુ ફાંસી અગાઉ જ દોષી પવને કોર્ટમાં ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબ્દીલ કરવા માટે અરજી કરી હતી. તે અરજી રદ્દ થતા રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી હતી, જેને કારણે ચારેય દોષીઓની ફાંસી ફરી એકવાર ટળી ગઈ હતી.

પરંતુ આજે દિલ્હી કોર્ટે ચારેય દોષીઓ પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસી આપવા માટે 20 તારીખનું ડેથ વોરંટ જાહેર કર્યું છે. આ ચારેય દોષીઓને 20 તારીખે સવારે 5.30 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવશે.

જણાવી દઈએ કે, આ અગાઉ નીચલી અદાલતે 31 જાન્યુઆરીના રોજ નિર્ભયા મામલે ચારેય દોષિતોની ફાંસી પર બીજા આદેશ સુધી રોક લગાવી દીધી હતી. આ દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવાની હતી, પણ બીજીવાર ફાંસીના વોરંટના આદેશને ટાળવામાં આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.