આજે દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો

યુએઈમાં કોરોના મહામારી વચ્ચે બાયોબબલમાં શરૃ થયેલી આઇપીએલમાં આવતીકાલે દિલ્હી કેપિટ્લ્સની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાના યુવા સુપરસ્ટાર શ્રેયસ ઐયર અને લોકેશ રાહુલની કેપ્ટન્સી હેઠળની ટીમોના મુકાબલાના પાવરહિટર્સ અને સ્પિનર્સ વચ્ચેના જંગ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. બંને ટીમોનો મદાર મુખ્યત્વે વિસ્ફોટક બેટ્સમેનો અને કાતિલ સ્પિન બોલર્સ પર રહેશે.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં મોટાભાગે યુવા ખેલાડીઓની ભરમાર છે. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબમાં કેટલાક અજાણ્યા ચહેરાઓ એવા છે કે, જે ટીમમાં અને આઇપીએલમાં નવું જોમ જગાવી શકે તેમ છે. સૌથી રસપ્રદ મુકાબલો બંને ટીમોના કોચ વચ્ચે જોવા મળશે. દિલ્હીના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટિંગ છે. જ્યારે પંજાબના કોચ તરીકે ભારતનો ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુમ્બલે છે. આવતીકાલના મુકાબલામાં બંનેની વ્યુહરચના અને મેન મેનેજમેન્ટ સ્કિલની કસોટી થશે.

દિલ્હીની ટીમમાં આર.અશ્વિન, અમિત મિશ્રા અને ગુજરાતનો અક્ષર પટેલ જેવા સ્પિનર્સ છે. તેમાંય અશ્વિન અને અક્ષર તો કિંગ્સ ઈલેવન તરફથી રમી ચૂક્યા છે. જ્યારે કિંગ્સ ઈલેવન પાસે મુરુગન અશ્વિન અને મુજીબ ઉલ રહમાન જેવા સ્પિનરો છે. યુએઈની પીચો પર સ્પિન બોલિંગની ભૂમિકા નિર્ણાયક રહેશે. કિંગ્સ ઈલેવનમાં ગેલ, મેક્સવેલ અને રાહુલ જેવા ટોપ ઓર્ડરના ક્લિન હિટર્સ છે.

બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ખેલાયેલી છેલ્લી પાંચમાંથી ચાર મેચો કિંગ્સ ઈલેવન પંજાબના નામે રહી છે. જોકે ૨૦૧૯માં છેલ્લા જ્યારે બંને ટીમો આમને-સામને ટકરાઈ, ત્યારે તેમાં દિલ્હી કેપિટલ્સ વિજેતા બની હતી. દિલ્હી કેપિટલ્સનો ટોપ ઓર્ડર શિખર ધવન અને પૃથ્વી શૉ તેમજ હેતમાયેર જેવા ખેલાડીઓ પર આધારિત છે.

દિલ્હી કેપિટલ્સ : ઐયર (કેપ્ટન), અશ્વિન, ધવન, શૉ, હેતમાયર, રબાડા, રહાણે, અમિત મિશ્રા, રિષભ પંત (વિ.કી.), ઈશાંત, અક્ષર, લામિચ્છાને, પોલ, સેમ્સ, મોહિત શર્મા, નોર્ટ્જે, કારેય (વિ.કી.), અવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, સ્ટોઈનીસ, લલિત યાદવ.

કિંગ્સ ઈલેવન પંજાબ : રાહુલ (કેપ્ટન), અગ્રવાલ, કોટ્રેલ, ગેલ, મેક્સવેલ, શમી, મુજીબ, કરૃન, નીશામ, પૂરણ (વિ.કી.), ઈશાન પોરલ, અર્ષદીપ, એમ.અશ્વિન, ગોવ્થમ, હરપ્રીત ,હૂડા, જોર્ડર, સરફરાઝ, મનદીપ, દર્શન એન., રવિ બિશ્નોઈ, સિમરન સિંઘ (વિ.કી.), જે સુચિથ, તાજિન્દર સિંઘ, વિલ્જોન્સ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.