રાજ્યમાં એકબાજુ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, તેવામાં ગુજરાતના અમુક વિસ્તારોમાંથી મેધરાજા શિયાળામાં પણ કહેર વરસાવી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે આજે વહેલી સવારે અંબાજી પંથકમાં હળવો વરસાદ પડ્યો હતો. હાલ અંબાજીના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ સાથે કચ્છનાં પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ સર્જાયો હતો અને અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. રાજકોટના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટના નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયું છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ શકે છે. અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.
હવામાન વિભાગના મતે, ‘અત્યારે દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોન સર્ક્યુલેશન છે. જેના કારણે બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નથી. બુધવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બે દિવસ રાજ્યનું તાપમાન આવું જ રહેશે જ્યારે 13 તારીખથી તાપમાન નીચે ગગળશે. આ દરમિયાન પવનની દિશા પણ ઉત્તર તરફી થઇ જશે. અરબી સમુદ્રમાં જે સાયક્લોન થવાનું હતું તે જતું રહ્યું છે જેના કારણે હાલ માછીમારોને કોઇ ચેતવણી કરવામાં આવતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.