આજે વિશ્વ પર્યટન દિવસ / પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું ગુજરાત, 12 વર્ષમાં ગુજરાત ખૂંદનાર પ્રવાસીઓની સંખ્યામાં 263 %નો વધારો નોંધાયો 

અમદાવાદ: ભારતમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે પ્રવાસનને લઈને સૌથી વધુ વૈવિધ્ય ધરાવે છે. અહીં મીઠાનુ સફેદ રણ પણ છે તો વેટલેન્ડ્સ (જળપ્લાવિત વિસ્તારો) પણ છે. વિશ્વના પ્રથમ શહેરો પૈકીનું ધોળાવીરા પણ ગુજરાતમાં છે તો વનરાજીથી સમૃદ્ધ ગીરનું જંગલ પણ છે. આ સાથે સાબરમતી આશ્રમ, રાણકી વાવ અને ચાંપાનેર શહેર જેવા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો પણ ગુજરાતમાં છે. દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકાંઠો ગુજરાતમાં છે, જ્યાં 16 જેટલા બીચ આવેલા છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટી

વડોદરાથી 90 કિમીના અંતરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 597 ફૂટ ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યૂ ઑફ યુનિટી. સ્ટેચ્યૂ પરથી સરદાર સરોવર બંધે નિહાળી શકાય છે. સ્ટેચ્યૂના નિર્માણમાં કુલ 57 મહિના લાગ્યા હતા. 250 એન્જિનિયર અને 3 હજારથી વધુ શ્રમિકોએ તેનું નિર્માણ કર્યું હતું. 11 મહિનામાં 26 લાખે સ્ટેચ્યૂ નિહાળ્યું હતું.

સોમનાથ મંદિર 2000 વર્ષ જૂનો ઈતિહાસ, 1951માં નવસર્જન

12 આદિ જ્યોર્તિલીંગમાં સૌથી પ્રથમ એવા સોમનાથ મંદિરનું સર્જન બે હજાર વર્ષ પહેલા થયું હતું. સોમનાથ મંદિર વેરાવળ નજીક પ્રભાસ પાટણ ખાતે આવેલું છે. આઝાદી પછી સરદાર પટેલે સક્રિયતા દાખવતા મંદિરનું નવસર્જન કરાયું. મે, 1951માં તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરી હતી. વર્ષે 45 લાખ લોકો સોમનાથ મંદિરની મુલાકાત લે છે.

રાણકી વાવ 11મી સદીમાં સર્જન 1968 બાદ મૂળ સ્વરૂપ મળ્યું

અમદાવાદથી 125 કિમી દૂર પાટણ ખાતે આવેલી રાણકી વાવનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવેલો છે. 11મી સદીમાં સોલંકી વંશના શાસક ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. 1968માં પુરાતત્વ વિભાગે ખોદકામ કરીને વાવને મૂળ સ્વરૂપમાં લાવી હતી. વર્ષે સરેરાશ અઢી લાખ લોકો વાવની મુલાકાત લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.