આનંદો! દેશનાં 180 જિલ્લામાં છેલ્લા 7 દિવસમાં કોઈ કેસ નહીં અને 319 જિલ્લા ચેપ મુક્ત

દેશના 13 રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના કોઈ નવા કેસ નોંધાયા નથી. ત્યાં જ 180 જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસોમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી.

ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને ઉત્તર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિ પર બેઠક યોજી હતી.

આરોગ્યમંત્રીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે આ રાજ્યોમાં શ્વસન રોગના ગંભીર રોગવાળા દર્દીઓનો ટેસ્ટ વધારવાની જરૂર છે. તેમજ આ રાજ્યોમાં આવતા પરપ્રાંતિય મજૂરોની ક્વોરન્ટાઇન માટેની સારી વ્યવસ્થા કરવી જોઈએ.

હર્ષવર્ધનએ માહિતી આપી હતી કે દેશમાં કોરોના વાયરસના 52,952 કેસ થઇ ચુક્યા છે, જેમાંથી 15,266 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1,783 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3561 નવા કેસ નોંધાયા છે.

દેશના 13 રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કોઈ કેસ નોંધાયા નથી. આ રાજ્યો અંદમાન અને નિકોબાર આઇલેન્ડ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ ગોવા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કેરળ, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને ઓડિશા છે.

જ્યારે દમણ-દીવ, સિક્કિમ, નાગાલેન્ડ અને લક્ષદીપમાં હજી સુધી કોઈ કેસ નોંધાયા નથી. સરકારના જણાવ્યા મુજબ, દેશમાં 130 હોટસ્પોટ જિલ્લાઓ છે, જ્યારે ત્યાં 284 નોન-હોટસ્પોટ જિલ્લાઓ છે અને 319 જિલ્લાઓ ચેપ મુક્ત છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ કહ્યું  કે ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા વધુ સારી છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર 3.3 ટકા છે જ્યારે રિકવરી રેટ 28.83 ટકા છે.

આરોગ્યમંત્રીએ માહિતી આપી હતી કે 8.8 ટકા દર્દીઓ ICUમાં છે. તેમણે કહ્યું કે 1.1 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 3.3 ટકા લોકો ઓક્સિજન સપોર્ટ પર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.