Cyclonic Storm Dana: પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશન બની ગયું છે, જે હવે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ ગતિ કરશે. જે બાદ તે આગળ જતા દાના વાવાઝોડાનું સ્વરૂપ લેશ. હવામાન વિભાગ દ્વારા આ અંગે કેટલીક જરુરી માહિતી આપવામાં આવી છે. આગામી દિવસોમાં સાઈક્લોન (Cyclonic Storm Dana) કઈ રીતે ગતિ કરશે તે અંગેની સંભાવનાઓ હવામાન વિભાગના મુખ્ય વડા મૃત્યુંજય મહાપાત્રા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતના હવામાનમાં સોમવારે પલટો આવ્યા બાદ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠું થયું હતું. બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનશે તેને દાના નામ આપવામાં આવ્યું છે.
23મી તારીખે એક સાઈક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે
હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હવે જે ડિપ્રેશન બન્યું છે તે હવામાન વિભાગના વડા ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરીને 23મી તારીખે એક સાઈક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. અને 26 તારીખે સવારે બંગાળની ખાડીના ઉત્તરમાં તે સિવિયર સાઈક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. વધુમાં તેમણે કહ્યું કે અમારું પૂર્વાનુમાન છે કે, તે ઉત્તર-પશ્ચિમ દિશામાં ગતિ કરીને ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટને પુરી અને સાગરદીપની વચ્ચે 26મી ઓક્ટોબરે રાત્રે પસાર થાય તેવી શક્યતાઓ છે.
પવનની ગતિ 100થી 120 કિલોમીટર રહેવાની સંભાવના
લગભગ 26મી તારીખની રાતના સમયે જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પવનની ગતિ 100થી 120 કિલોમીટર રહેવાની સંભાવનાઓ છે. 23મી તારીખની સાંજે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની આસપાસ દરિયામાં ભારે પવન (40-50 kmph) રહેવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ પછી સમય જતાં પવનની ગતિમાં સતત વધારો થતો રહેશે. વાવાઝોડાની જે સંભાવનાઓ અગાઉ વ્યક્ત કરાઈ રહી હતી તે મુજબ સ્થિતિ બની છે અને આ અંગે અસર કરનારા સ્થળો પર ચેતવણી આપવામાં આવી છે.
અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ
આ વાવાઝોડાની સંભાવનાઓને જોતા 23 તારીખની સાંજ સુધીમાં સામાન્યથી મધ્ય વરસાદ શરુ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જેમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બંગાળની ખાડીના ઉત્તર ભાગના દરિયાઈ પટ્ટીના વિસ્તારો માટે કરવામાં આવી છે. આ પછી ધીમે-ધીમે વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 અને 26 તારીખે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાપટ્ટીના વિસ્તારોમાં વરસાદ થવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. જેમાં 7-20 સેન્ટિમીટર વરસાદની શક્યતાઓ છે.
પવનની ગતિ ઝાટકા સાથે 30-40 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે
હવામાન વિભાગે ગુજરાતમાં આજે હળવાથી સામાન્ય થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીના કડાકા સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં પવનની ગતિ ઝાટકા સાથે 30-40 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. આગાહી મુજબ આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ તથા દીવમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.