આરોગ્ય સેતુ એપથી સરકારને 300 ઉભરતા હોટસ્પોટની માહિતી મળી : નીતિ આયોગ CEO

– એપની મદદથી જ દેશભરમાં 650 હૉટસ્પોટ વિશે જાણવા મળ્યું હતુ : અમિતાભ કાંત

 

કોરોના વાયરસના દર્દીઓ વિશે માહિતી મેળવવા માટે સરકાર દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપ કોવિડ-19ના ફેલાવાને રોકવામાં મદદ કરનાર એક મહત્ત્વપૂર્ણ હથિયાર સાબિત થઇ ગઇ છે. આ એપની મદદથી અધિકારીઓને દેશભરમાં 650 હૉટસ્પોટ અને 300 ઉભરતા હોટસ્પોટ વિશે જાણવા મળ્યું છે.

2 એપ્રિલના રોજ આરોગ્ય સેતુ એપના લોન્ચ થયા બાદ 9.6 કરોડ લોકોએ તેમાં રજિસ્ટ્રેશન કર્યુ છે, જે વૈશ્વિક સ્તરે પાંચ કરોડ ઉપયોગકર્તાઓ સુધી સૌથી ઝડપી પહોંચતી મોબાઇલ એપ બની ગઇ છે અને ટૂંક સમયમાં જ આ 10 કરોડના ક્લબમાં સૌથી ઝડપી પ્રવેશ કરનાર એપમાંથી એક બની જશે.

આરોગ્ય સેતુ એપ પોતાના બે ઉદ્દેશ્યોના માધ્યમથી સરકારની મદદ કરે છે. પહેલો ઉદ્દેશ્ય ‘કોની તપાસ કરવાની છે’ અને બીજો ‘ક્યાં વધારે તપાસ કરવાની છે.’ મીડિયા સાથેની વાતચીતમાં નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું, ઉદાહરણ માટે મહારાષ્ટ્રમાં આ એપની મદદથી 18 જિલ્લામાં 60 કોરોના હૉટસ્પોટ વિશે માહિતી મળી છે. દેશભરમાં 13 એપ્રિલથી 20 એપ્રિલ સુધી, આ એપ દ્વારા 130 હૉટસ્પોટ હોવાની આગાહી કરવામાં આવી હતી.

તેમણે કહ્યુ, આરોગ્ય સેતુ એપ દ્વારા માહિતી મેળવ્યા બાદ ત્રણથી 17 દિવસમાં આ આગાહી કરવામાં આવેલા હોટસ્પોટને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વાસ્તવિક હૉટસ્પોટ જાહેર કરવામાં આવ્યું. આ રીતે આ એપ્લિકેશને કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં કોની તપાસ કરવાની છે અને ક્યાં વધારે તપાસ કરવાની છે જેવા ઉદ્દેશ્યથી સરકારની મદદ કરી છે.

કાંતે કહ્યું, આરોગ્ય સેતુ એપ્લિકેશને સરકારને દેશભરમાં 650થી વધારે હૉટસ્પોટ અને 300થી વધારે નવા બની રહેલા હૉટસ્પોટ વિશે માહિતગાર કર્યા છે. આ એપ દ્વારા હૉટસ્પોટની સચોટ માહિતી મેળવી શકાય છે અને આ માહિતીથી નવા હોટસ્પોટની ઉત્ત્પતિને પણ રોકી શકાય છે. તેમણે કહ્યુ આ એપ્લિકેશને સંક્રમણના ફેલાવાનું સ્થળ, દિશા અને વેગના ચોક્કસ અંદાજ સાથે અવિશ્વસનીય નિરીક્ષણ અને અસર ઉત્પન્ન કરી છે.

નીતિ આયોગના પ્રમુખે કહ્યુ, અત્યાર સુધીમાં 6.9 કરોડ લોકોએ સ્વ-મૂલ્યાંકન પરીક્ષણ કર્યુ છે, જેમાંથી 34 લાખ લોકોએ પોતાને અસ્વસ્થ જાહેર કર્યા છે. આ લોકોમાં કોરોનાના એકથી લઇને ત્રણ લક્ષણ જોવા મળી રહ્યા હતા.

કાંતે કહ્યુ, આ રીતે સ્વાસ્થ્ય કર્મચારીઓની એક સમર્પિત ટીમ લગભગ 6,50,000 લોકો સુધી પહોંચી શકી છે, જેમનામાં બે અથવા બે કરતા વધારે લક્ષણ જોવા મળ્યા છે. આ ઉપરાંત ડૉક્ટર્સ દ્વારા 16,000થી વધારે લોકો ટેલી-કાઉન્સલિંગ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.