આરોપીના ઘરે ગયેલી રાજકોટ પોલીસે માનવતા ખીલી ઊઠે તેવું કામ કર્યું

રાજકોટમાં સોનીકામમાં ધંધાકીય થપાટને લઈને નિર્ધન બનેલાં ઝવેરી જીતુભાઈ પાલા સામે લાખોની ઠગાઈ કર્યાના આક્ષેપ સાથે થયેલી અરજીની તપાસમાં સિક્કા ગયેલી પોલીસને જીતુભાઈ અને તેમના પરિવારની દારૂણ સ્થિતિ જોતાં કઢોરતાં પીગળીને સીધી કરુણતામાં બદલાઈ ગઈ હતી. જીતુભાઈ માટે પોલીસ જાણે એક મસીહા બનીને પહોંચી હોય એ રીતે જીતુભાઈની મૂકબધિર કિશોરવયની પુત્રીના સારવારના ખર્ચ પણ પોલીસે પોતાના ખભે ઉઠાવી આજે બાળકીને બોલતી કરી માનવતા મહેકાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ પોલીસ કમિશનરને રજનીભાઈ નામના સોની વેપારીએ જીતુભાઈ સામે લાખોની ઠગાઈ કર્યાની અરજી કરી હતી. રાજકોટથી બધુ છોડીને દોઢેક વર્ષથી સિક્કા નજીક પડાણાના પાટીયા પાસે રહેવા ચાલ્યા ગયેલા જીતુભાઈના ઘરે પીએસઆઈ અંસારી, જીતુભા ઝાલા, ફીરોજ રાઠોડ તથા વીજુભા ઝાલા પહોંચ્યા હતા. એક રૂમમાં પરિવાર રહેતો હતો, જીતુભાઈ તો ખાનગી સિક્યોરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. બે બાળકોમાં પુત્ર ધોરણ 11માં અભ્યાસ કરે, ધોરણ 7માં અભ્યાસ કરતી બાર વર્ષની પુત્રી ઈશિતા પોલીસને ટગર ટગર જોઈને રડતી હોય પોલીસની નજર તેના પર પડી, બોલવાનો પ્રયાસ કર્યા, ન તો બાળકી બોલી શકી ન સાંભળી શકી.

આ જોઈને પોલીસ પણ ચોકીં ઉઠી. આ અંગે જીતુભાઈને પૂછતાં દંપતીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બાળકી ક્યારેક બોલી શકે પરંતુ શ્રવણ શક્તિ સાવ ન હતી. પોલીસ સ્ટાફે ક્રાઈમ એસીપી જે.એચ.સરવૈયાને વાત કરી તે પણ ગળગળા થઈ ગયા હતા અને બાળકીની સારવારને ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી. બાળકીની રાજકોટમાં સારવાર કરાવી અને આજે અઢી માસ બાદ બાળકી સાંભળતી થઈ જતાં પોલીસને પણ કંઈક સારૂ કર્યાની ખુશીનો પાર નથી. એસીપી સરવૈયાએ ફરિયાદીને પણ બોલાવી જીતુભાઈની સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.