એક તરફ મોદી સરકાર દેશમાં બુલેટ ટ્રેન લાવવાની તૈયારીમાં છે ત્યારે બીજી તરફ ભારતીય રેલવે છેલ્લા 10 વર્ષમાં એના સૌથી ખરાબ સમયમાં પહોંચી છે. આર્થિક મંદીના માહોલમાં રેલવેની કમાણી પણ નીચલા સ્તરે પહોંચી છે.
કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રેલવેને ચલાવવાનો ખર્ચ 98.44 ટકા થયો છે. સાદી ભાષામાં કહીએ તો રેલવે 100 રૂપિયા કમાણી કરવા માટે 98.44 રૂપિયાનો ખર્ચ કરે છે, એનો મતલબ છે કે તેને માત્ર 1.56 રૂપિયાનો નફો થાય છે. રેલવે એના તમામ સંસાધનો દ્વારા પણ બે ટકા સુધીનો નફો કરી શકતી નથી.
કેગે કહ્યું છે કે ગત બે વર્ષમાં રેલવેએ આઈબીઆર-આઈએફ હેઠળ જે ભંડોળ એકઠું કર્યું છે એનો વપરાશ કર્યો નથી. કેગે ભલામણ કરી છે કે રેલવેએ બજારમાંથી જે ભંડોળ લીધું છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. રેલવેએ મહેસૂલી આવક વધારવા માટે પણ પ્રયાસ કરવા જોઈએ.
સંસદ સમક્ષ રજૂ થયેલા કેગના અહેવાલ અનુસાર રેલવેતંત્રની આવકનો વૃદ્ધિ દર ઘણો ધીમો છે. તેની સરખામણીએ ખર્ચનો વૃદ્ધિ દર ઘણો જ ઊંચો છે. આથી રેલવેની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોતાના અહેવાલમાં રેલવેને ચેતવણી આપતાં કેગ દ્વારા કેટલાંક ઉપાયો પણ સુચવવામાં આવ્યા છે. એ મુજબ, કેપિટલ લોસમાં કાપ મૂકવા પર ભાર અપાયો છે તેમજ બજારમાંથી મળતાં ફંડનો પૂરો ઉપયોગ કરવાનું સુચન પણ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.