આંશિક લોકડાઉન વચ્ચે 16 એપ્રિલથી ધોરણ 10 અને 12 ના 17 લાખ વિદ્યાર્થીની ઉત્તરવહીનું ચેકિંગ શરૂ

શિક્ષણ મંત્રીની ગુજરાત બોર્ડના અધિકારીઓ સાથે તેમજ શિક્ષક સંઘ સાથેની બેઠક બાદ સરકારે આજે 16મી એપ્રીલથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું ચેકિંગ શરૂ કરી દેવાની જાહેરાત કરી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ગત માર્ચમાં પૂરી થયા બાદ 19મી માર્ચથી રાજ્યભરમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ઉત્તરવહી ચેકિંગ શરૂ કરી દેવાયું હતું.

44 હજાર જેટલા શિક્ષકોને મૂલ્યાંકન માટે ઓર્ડર પણ કરી દેવાયા હતા પરંતુ કોરોનાના કેસ વધવા સાથે સ્થિતિ ગંભીર જણાતા રાજ્ય સરકારે મુખ્ય શહેરોમાં લોકડાઉન જાહેર કર્યું હતું અને શૈક્ષણિક સંસ્થાઓ 31મી માર્ચ સુધી બંધ રાખવા સાથે ધોરણ-10 અને 12ની ઉત્તરવહીનું મૂલ્યાંકન પણ 31 માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું.

દરમિયાન વડાપ્રધાન દ્વારા 25મીથી સમગ્ર દેશમાં 21 દિવસનું એટલે કે 14 એપ્રિલ સુધી નેશનલ લોકડાઉન લાગુ કરતા 14 એપ્રિલ સુધી આપો. ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરી સ્થગિત થઈ ગઈ હતી. હજુ પણ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે અને સ્થિતિ હજુ પણ ગંભીર છે ત્યારે બીજા તબક્કામાં 30મી એપ્રિલ સુધીનું લોકડાઉન આપવામાં આવનાર છે ત્યારે સરકાર કેટલીક છૂટછાટો સાથે આંશિક લોકડાઉન આપે તેવી પણ શક્યતાઓ છે.

જેને પગલે શિક્ષણ મંત્રી સાથે બોર્ડના અધિકારીઓની બેઠક બાદ સરકારે આજે 16મી એપ્રીલથી ઉત્તરવહી મૂલ્યાંકન શરૂ કરી દેવાનું જાહેર કર્યું છે. કોરોનાના સંક્રમણ અને લોકલ ટ્રાન્સમિશન વચ્ચે સરકારે શિક્ષકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ખાસ તકેદારી પૂર્વક ઉત્તરવહી મૂલ્યાંકન કરવા સૂચનાઓ આપી છે. આ ઉપરાંત જરૂર પડે વધુ ઓરડાઓમાં મૂલ્યાંકન કામગીરી કરી શિક્ષકોને છૂટા બેસાડવામાં આવશે તેમજ દરેક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં સેનેટાઇઝ અને માસ્ક અને અન્ય જરૂરી સુવિધાઓ ઉભી કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.