પાકિસ્તાનથી આવેલી આતંકી હુમલાની ધમકી બાદ મુંબઈમાં હાઈ એલર્ટ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુંબઈના દરેક મહત્વપૂર્ણ સ્થળોએ સુરક્ષા વધારી દેવાના આદેશ આપ્યા છે. મુંબઈ ઈન્ટરપોલ અને આઈબીની મદદથી પાકિસ્તાનથી આવેલા આ કોલ અને કોલ કરનારની સંપૂર્ણ જાણકારી શોધવામાં લાગી છે.
કોલ કરનારા શખસે પોતાને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને આતંકી ગણાવ્યો હતો. સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કોલ પાકિસ્તાનમાં ટ્રેસ કરાયો છે તેની ઓળખ પણ કરવામાં આવી છે. દેશની ગૃપ્તચર એજન્સીની મદદથી આ કોલ કરનારનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.
મુંબઈના મુખ્ય ધાર્મિક સ્થળો, ફાઈવ સ્ટાર હોટલ્સ, મહત્વની સરકારી અને બિન સરકારી કચેરીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં તાજ મહેલ પેલેસ હોટલ, તાજ લૈંડસ એન્ડ હોટલ, સિદ્ધિવિનાયક મંદિર, બાબૂલનાથ મંદિર, મંબાદેવી મંદિર, હાજી અલી દરગાહ, મુંબઈ સ્ટોક એક્સચેન્જ, મંત્રાલયો, હાઈકોર્ટ સહિત મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ સામેલ છે.
આ સિવાય મુંબઈમાં કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે લગાવવામાં આવેલી નાકાબંધી આ ધમકી બાદ વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ પ્રમાણે મુંબઈમાં કુલ 191 સ્થળોએ નાકાબંધી લગાવવામાં આવી છે. સાથે જ કોસ્ટલ પેટ્રોલિંગને પણ વધારી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, મંગળવારની મધ્યરાત્રીએ 12.30 કલાકે મુંબઈની તાજ મંગળ પેલેસ અને તાજ લૈંડ્ઝ એન્ડ હોટલને પાકિસ્તાનના એક નંબરમાંથી કોલ આવ્યો. ફોન નંબરમાં પાકિસ્તાનનો કંન્ટ્રી કોડ હતો. પહેલો કોલ તાજ લૈંડ્ઝ એન્ડને કર્યો જે 37 સેકન્ડ સુધી ચાલ્યો અને બીજો કોલ હોટલ તાજ મહેલ પેલેસને કરવામાં આવ્યો જે 45 સેકેન્ડ સુધી ચાલ્યો.
બંન્ને વાર કોલ કરનારા શખસે પોતાની ઓળખ લશ્કર-એ-તૈયબાના આતંકી તરીકે આપી અને કહ્યું કે, તાજ હોટલમાં 26/11 જેવો આતંકી હુમલો ફરીવાર થશે. કોલ કરનારો શખસ હિંદીમાં વાતચીત કરતો હતો.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે, કરાંચી સ્ટોક એક્સચેન્જ પર થયેલા આતંકી હુમલા બાદ મુંબઈની તાજ હોટલમાં આવેલા ફોન બાદ મેં રાજ્યના ડીજી અને સીપી મુંબઈની સાથે ચર્ચા કરી અને તેમને ટાર્ગેટ અને સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવાનો આદેશ કર્યો છે.
ફોન કરનારાની ઓળખ કરવા એજન્સીઓ એક્ટિવ
સુત્રો પ્રમાણે કોલ પાકિસ્તાનના કરાંચીથી આવ્યાની જાણકારી મળી છે પરંતુ આ કોલ કોમ્પ્યૂટરમાંથી કરવામાં આવ્યો છે કે ફોનથી તેની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ ઈન્ટરપોલ, આઈબીની મદદથી કોલરની સાચી ઓળખ કરવામાં લાગી છે. મુંબઈ પોલીસે આ કોલની જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રાલય અને ભારતીય ગૃપ્તચર એજન્સીઓને પણ આપી છે જેની મદદથી આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.