આવતી કાલે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો, ઉમા ભારતીએ કહ્યું ‘ફાંસી મંજૂર, પરંતુ જામીન નહીં લઉં’

 પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ભાજપનાં પ્રમુખ જેપી નડ્ડાને પત્ર લખીને બાબરી વિધ્વંસ કેસનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરે સીબીઆઈની વિશેષ કોર્ટનો ચુકાદો આવી રહ્યો છે અને મારે હાજર થવાનું છે. કોર્ટનો દરેક નિર્ણય મારા માટે ભગવાનના આશીર્વાદ હશે. મેં હંમેશા કહ્યું છે કે અયોધ્યા માટે તો ફાંસી પણ મંજૂર છે. મને નથી ખબર કે શું ચુકાદો આવવાનો છે, પરંતુ જે પણ હોય હું જામીન લઈશ નહીં.

28 વર્ષ જૂના બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ  કોર્ટ 30 સપ્ટેમ્બરે ચુકાદો આપવાની છે. આ કેસમાં ઉમા ભારતી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિત ઘણા આરોપી છે. બીજી તરફ બાબરીના પક્ષકાર ઇકબાલ અંસારીએ ફરી કહ્યુ કે, હવે રામમંદિરનો ચુકાદો આવી ચુક્યો છે તો મંદિર-મસ્જિદ સાથે જોડાયેલા કેસને ખતમ કરી દેવા જોઈએ અને આરોપીઓને છોડી મુકવા પર વિચાર કરવો જોઈએ. બધાની નજર હાલ કોર્ટ પર છે કે 30 સપ્ટેમ્બરે આવનાર ચુકાદામાં તે કોને કેટલી સજા ફટકારે છે અને કોને રાહત આપે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઉમા ભારતીએ રવિવારે ખુદ કોરોના પોઝિટિવ હોવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, મેં મારી પહાડની યાત્રા સમાપ્તિના છેલ્લા દિવસે વહીવટી તંત્રને ખાસ આગ્રહ કરીને કોરોના ટેસ્ટની ટીમને બોલાવી કારણ કે મને ત્રણ દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયમાં કોવિડના બધા નિયમો અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું, છતાં કોરોનાથી સંક્રમિત થઈ છું. તેમણે જણાવ્યું કે, હું હાલ હરિદ્વાર-ઋષિકેશની વચ્ચે વન્દે માતરમ્ કુંજમાં ક્વોરેન્ટીન છું.

બાબરી વિધ્વંસ મામલામાં આરોપી બનાવવામાં આવેલ લોકોનું કહેવું છે કે કોર્ટ જે પણ ચુકાદો આપશે તે અમને મંજૂર હશે. તેનું કહેવું છે કે અમે કોઈ ખોટુ કામ કર્યું નથી. અમે રામકાજ કર્યું હતું, જે સફળ થઈ ગયું છે અને અમને તે વાતનો ગર્વ છે. બાબરી વિધ્વંસમાં આરોપી બનાવવામાં આવેલા શિવસેનાનાં પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી સંતોષ દુબેએ કહ્યુ કે, અમે કોઈ મસ્જિદને પાડી નથી પરંતુ મંદિરનાં સ્થાન પર બનેલ મહાજિદને પાડી હતી અને અમને તે વાતનો ગર્વ છે. તેમણે કહ્યું કે, કોર્ટ શું ચુકાદો આપશે, અમને તે મંજૂર હશે કારણ કે અમારૂ સપનું સાકાર થઈ રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.