એક ખરા હ્રદયથી ભારતીય અને મગજથી સાચા વિજ્ઞાનીના જીવનની આ નાનકડી વાત સરળ સમજ આપે છે. દરેક પક્ષ દ્વારા રાષ્ટ્રપતિ તરીકે માનનીય એ.પી.જે. અબ્દુલ કલામના નામ પર સહમતી સધાઈ ગઈ હતી.
તેમની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થઇ ત્યારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમને અભિનંદન આપતા સંસદીય પ્રધાન પ્રમોદ મહાજને તેમને પૂછ્યું, ‘માનનીય રાષ્ટ્રપતિજી, આપ ક્યા શુભ દિવસે, ક્યા શુભ મુહૂર્તમાં રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વાર પ્રવેશ કરવાના છો?’
તેમના સેક્રેટરીએ કહ્યું, ‘સર, શુભ મુહૂર્ત કઢાવું?’ તેઓ હસ્યા અને ના પાડતાં બોલ્યા, ‘ના, ના, મુહૂર્ત કઢાવવાની કોઈ જરૂર નથી.’ આ વાત સાંભળનાર કોઈ બોલ્યું, ‘અરે, સર, આટલા મહત્ત્વના દિન માટે મુહૂર્ત કઢાવવું જરૂરી છે. તમે કહેતા હો તો હું મારા જ્યોતિષને હમણાં શુભ દિવસ પૂછી લઉં.’
એ.પી.જે. અબ્દુલ કલામ આ સાંભળી બોલ્યા, ‘જ્યાં સુધી આ આપણી પૃથ્વી તેની ધરી પર ફરે છે અને તેને કારણે વારાફરતી રાત દિવસ થાય છે.તેવી જ રીતે આ પૃથ્વી અને બીજા બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે અને પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં એક વર્ષ લાગે છે અને ઋતુઓ બદલાય છે.
આ મારી આપણી પૃથ્વી અને ગ્રહો વિશેની સમજ છે.હું નથી માનતો કે અન્ય કોઈ ગ્રહ પૃથ્વી પર રહેતા કોઈ પણ માણસના જીવન પર અસર કરી શકે અને મારા માટે તો આ ખગોળશાસ્ત્રીય ઘટનાઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી પૃથ્વીની ધરીની આસપાસ ફરવાથી અને સૂર્યની આસપાસ ફરવાથી સર્જાતા દરેક દિવસ અને દરેક રાત શુભ જ છે અને રહેશે.’ આટલું બોલી તેઓ હસી પડ્યા.અને પછી અન્ય સ્ટાફને મળવા લાગ્યા.તેમણે રાષ્ટ્રપતિ ભવનના બધા સ્ટાફને મળી પરિચય કેળવ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.