સુરેન્દ્રનગર શહેર મધ્યે મલહાર ચોકમાં આવેલ કેન્દ્રની જીએસટી વિભાગમાં ફરજ બજાવતા બે ઈન્સ્પેકટરોએ નમકીનની ડીલરશીપ ધરાવતા વિક્રેતાને ગોડાઉનના સ્થળ ફેરફાર તથા બોર્ડમાં જીએસટી નંબર ન દેખાતો હોય તે બાબતે પેનલ્ટી તથા દંડ પેટે રૂ.પ લાખ થશે તેમ કહીને દાટી મારી હતી. બાદમાં હિસાબો સાથે રૂબરૂ બોલાવી નાણાંની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ.૭પ હજારમાં પતાવટ થઈ હતી. બાદમાં વિક્રેતાએ સુરેન્દ્રનગર એસીબીને અરજી કરતા ગુરૂવારે મોડી રાત્રે સુરેન્દ્રનગર ખાતેની કચેરીમાં છટકુ ગોઠવી ઈન્સ્પેકટર અને પટ્ટાવાળાને રૂ.૭પ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.
ચૂડા તાલુકાના એક ગામમાં રહેતા નમકીની ડીલરશીપ ધરાવતા વિક્રેતાએ પોતાના ગોડાઉનના સ્થળે ફેરફાર સાથે બોર્ડમાં જીએસટી નંબર લગાવ્યો ન હતો. આ સંદર્ભની માહિતી અન્વયે સુરેન્દ્રનગર શહેરમાં આવેલ સીજીએસટી ની કચેરીના વર્ગ-ર ના અધિકારી (ઈન્સ્પેકટર) રાજીવ હંસરાજ યાદવ અને ગૌરવ અરોરા એ ડીલરશીપ વિક્રેતાને રૂબરૂ બોલાવી આ મામલે પેનલ્ટી તથા દંડ રૂ.પ લાખ થશે તેવી દાટી મારી હતી. બાદમાં વિક્રેતાને હિસાબો સાથે રૂબરૂ કચેરીએ બોલાવ્યા હતા. એ દરમિયાન સીજીએસટીના બંને ઈન્સ્પેકટરોએ કાયદેસરની કાર્યવાહી નહી કરવાના અવેજ પેટે રૂ.અઢી લાખની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ.૭પ હજાર આપીને પતાવટ કરવાનુ નક્કી થયુ હતુ. પરંતુ લાંચ ન આપવા માંગતા ડીલરશીપના વિક્રેતાએ સુરેન્દ્રનગર એસીબી કચેરીમાં અરજી આપી હતી.
ફરિયાદીની અરજી અન્વયે રાજકોટ એસીબીએ ગુરૂવારે મોડી રાત્રે સુરેન્દ્રગર સીજીએસટીની કચેરીમાં છટકું ગોઠવ્યુ હતુ. જેમાં ઈન્સ્પેકટર રાજીવ યાદવની હાજરીમાં કચેરીના પટ્ટાવાળા રવિ ભવાનશંકર જોષી ને રૂ.૭પ હજારની લાંચ સ્વીકરતા ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા. આ બનાવમાં ઈન્સ્પેકટર રાજીવ યાદવ અને ગૌરવ અરોરાના કહેવાથી પટ્ટાવાળાએ લાંચ સ્વીકારતા ત્રણ સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. એસીબી એ હાલ ઈન્સ્પેકટર રાજીવ યાદવ અને પટ્ટાવાળા રવિ જોષીની ધરપકડ કરી લીધી છે. જયારે ઈન્સ્પેકટર ગૌરવ અરોરા હાલ રજા ઉપર હોવાનું ખુલવા પામ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.