અધીર રંજન ચૌધરીનો સોનિયાને પત્ર, ગાંધી પરિવાર સિવાય કોઇ અચ્છે દિન નહીં લાવી શકે’

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અગાઉ પણ બિનગાંધી વ્યક્તિ પક્ષની ધુરા સંભાળી ચૂકી હતી જેમ કે પી વી નરસિંહરાવ અને સીતારામ કેસરી. પરંતુ આ નેતાઓ પક્ષ માટે ‘અચ્છે દિન’ લાવી શક્યા નહોતા. કોંગ્રેસનો ઉદ્ધાર ગાંધી પરિવાર વિના શક્ય નથી. 

નાદુરસ્ત તબિયતના કારણે સોનિયા ગાંધી આજે કોંગ્રેસના વચગાળાના પ્રમુખપદને છોડવાના છે. એવા પ્રસંગે પક્ષમાં ઓલરેડી બે તિરાડ પડી ચૂકી હતી. અગાઉ 23 સાંસદોએ સોનિયાને એક પત્ર લખીને જણાવ્યું હતું કે બિનગાંધી નેતાને પક્ષ પ્રમુખ બનાવવા જોઇએ. એ વિશે પૂછવામાં આવતાં અધીર રંજને કહ્યું કે આ સાંસદો પક્ષની કારોબારીમાં પોતાનો અભિપ્રાય જણાવી શકે છે. એક વાત નક્કી છે કે કોંગ્રેસ પક્ષને ફરી કાર્યક્ષમ બનાવવા ગાંધી પરિવાર સિવાય કોઇ નેતામાં શક્તિ નથી. અત્યાર સુધીમાં જેટલા બિનગાંધી અધ્યક્ષ આવ્યા છે એમાંના કોઇ મોટી ધાડ મારી શક્યા નહોતા.

પશ્ચિમ બંગાળના માત્ર બે કોંગ્રેસી સાંસદોમાંના એક અધીર રંજન ચૌધરીએ એેવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના જાણી કરીને કમજોર બનાવવામાં આવ્યો હતો. ગાંધી પરિવારના હાથમાં પક્ષ સુરક્ષિત છે અને રહેશે. અત્યાર સુધી જે ગુમાવ્યું છે એ પાછું મેળવવા માટે ગાંધી પરિવારનું નેતૃત્વ અનિવાર્ય છે એમ તેમણે ઉમેર્યું હતું.

ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે પક્ષના દેશભરના નેતાઓ, કાર્યકરો અને ટેકેદારોને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર એકસો ટકા વિશ્વાસ છે અને એમના સિવાય પક્ષપ્રમુખના હોદ્દાને કોઇ સંભાળી શકે એવું નથી.

આજે મળનારી કોંગ્રેસ કારોબારીની બેઠકની પૂર્વસંધ્યાએ 23 સાંસદોએ સોનિયાને પત્ર લખ્યાની વાત જાહેર થઇ એ સાથે પક્ષમાં બે ઊભાં ફાડિયાં પડી ગયાં હોય એવી સ્થિતિ સર્જાઇ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.