ભરૂચના MBBS થયેલા યુવાનને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે મુંબઈ કોર્પોરેશનની સાયન હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં એડમિશનના નામે મુન્નાભાઈઓની ટોળકીએ છેતરીને રૂ. 43 લાખ પડાવી લીધા હતા. આ ઘટનામાં ભરૂચ પોલીસે મુંબઈ સાયન હોસ્પિટલના પૂર્વ ડે. ડીન સહિત તેના સાથીની ધરપકડ કર્યા બાદ સુરતના વચેટિયાને ઝડપી પાડ્યો છે.
ભરૂચની ભજ્જુવાલા સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં આદમ વલી પટેલના પુત્ર મોહસિને MBBSનો અભ્યાસ પુર્ણ કર્યાં બાદ તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારીઓ કરી રહ્યો હતો.અને એ દરમિયાન 2020માં આરોપી સતીષ કાનાણી એ તેમના મોબાઇલ પર ફોન કરી પોતાની રિતમ શર્મા તરીકેની ઓળખ આપી તેમની સાથે વાત કરી હતી.
આદમભાઈને જણાવ્યું હતું કે, તેમના પુત્ર મોહસીનનું મુંબઇ મહાનગરપાલિકામાં સાયન હોસ્પિટલ ઇન સર્વિસ કોટામાં એડમિશન કરાવી શકે છે. સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડીન સાથે તેઓ વાત કરાવી શકે છે. તેમ વાતોમાં ભોળવતાં તેઓ પરિવાર સાથે મુંબઇ ગયાં હતાં.અને જ્યાં ડો. રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રાદરિયા, મુકેશ મિશ્રા, આદિત્ય અને સાગર નામના શખ્સોને હોસ્પિટલના ડેપ્યુટી ડીન તેમજ હોસ્પિટલના અલગ અલગ કર્મચારીઓ તરીકે ઓળખ કરાવી હતી.
પહેલાં રૂ. 60 લાખમાં અને બાદમાં રૂ. 43 લાખમાં એડમિશન આપવાનું ફાઇનલ કર્યું હતું.અને જેના પગલે તેઓએ તબક્કાવાર રીતે તેમને આંગડિયામાંથી તેમજ RTGSથી તમામ રૂપિયા ચુકવ્યાં હતાં. જોકે, બાદમાં ડેપ્યુટી ડીન તરીકે મળેલાં રાકેશ વર્માને સસ્પેન્ડ કર્યાં હોવાનું તેમજ હોસ્પિટલે આ પ્રકારનું કોઇ એડમિશન આપ્યું ન હોવાનું માલુમ પડતાં તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું.અને જેના પગલે આદમભાઈ એ આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2021માં માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન મુંબઈની આર્થર રોડ જેલમાંથી મેડિકલમાં PG માટે પ્રવેશ અપાવવાના બહાને રેકેટ ચલાવતા ઝડપાયેલા હકાલ પટ્ટી કરાયેલા ડેપ્યુટી ડીન ડો. રાકેશ રામનારાયણ વર્મા અને તેના પન્ટર લવ અવધકિશોર ગુપ્તાનો ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. મેડીકલમાં એડમિશનમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર સુરતના મોટા વરાછાના સતીષ કાનાણી ભરૂચ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને જેની પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી કુલ 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.