રાજ્યમાં પોલીસ કર્મચારીઓ દ્વારા લોકો પાસેથી લાંચની માગણી કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તો ક્યારેક કોઈ આરોપીને ન મારવા માટે લાંચની માગણી કરવાનું સામે આવે છે. તો ક્યારેક પોલીસે આરોપી ઉપર કેસ ન કરવા માટે લાંચની માગણી કરી હોય તેવું સામે આવે છે.અને ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં એક પોલીસ કર્મચારીએ બુટલેગર અને તેના પિતાને આરોપી ન બનાવવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. જોકે બુટલેગર દ્વારા 1,45,000 રૂપિયા પોલીસ કર્મચારીને ચૂકવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ કર્મચારીએ વધારે 15 હજાર રૂપિયાની માગણી કરતા બુટલેગરે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. તેથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવીને લાંચ માગનાર પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે.
મળતા રિપોર્ટ અનુસાર સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા દ્વારા 13 માર્ચના રોજ સુરતમાં રેલવે સ્ટેશન પરથી ત્રણ પેઢી દારૂ સાથે મંગલ નામના બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી.અને તે સમયે પોલીસે મંગલ અને તેના પિતાને આરોપી ન બતાવવા માટે બે લાખ રૂપિયાની માગણી કરી હતી પરંતુ બુટલેગર સાથે રકઝક બાદ દોઢ લાખમાં સેટિંગ થયું હતું.
દોઢ લાખ પૈકી બુટલેગરને એક લાખ રૂપિયા જેલમાં જ આપવાના હતા. તેથી બુટલેગરે એક લાખ રૂપિયા પોલીસકર્મી રામદેવસિંહને આપી દીધા હતા અને બીજા 50000 રૂપિયા જામીન પર છુટકારો થયા બાદ આપવાના હતા. તેથી બુટલેગર મંગલે છુટયા બાદ 45 હજાર રૂપિયા કોન્સ્ટેબલ રામદેવસિંહના રીક્ષાવાળાને આપ્યા હતા.અને ત્યારબાદ બાકીના 5 હજાર રૂપિયા બુટલેગર આપવા જતો હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહે વધારે 15 હજાર રૂપિયાની માગણી કરી હતી.
પોલીસકર્મી દ્વારા પૈસાની માગણી સતત વધતી હોવાના કારણે બુટલેગર મંગલ દ્વારા સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરવામાં આવી હતી અને જ્યારે બુટલેગર મંગલ કોન્સ્ટેબલને પૈસા આપવા માટે ગયો હતો તે સમયે એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ રામદેવસિંહને લાંચ લેતા એન્ટીકરપ્શન બ્યૂરો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ એન્ટી કરપ્શન બ્યુરોએ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી આગામી દિવસોમાં હવે તેની પૂછપરછ કરવામાં આવશે અને અગાઉ તેને કેટલા લોકો પાસેથી આ પ્રકારે લાંચની માગણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.