સુરતના કાપોદ્રાની પરિણીતાનું સરથાણાની ખાનગી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ તબિયત લથડતા મોત નીપજ્યું હતું અને આ સમગ્ર વિવાદને પગલે પતિ સહિત પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફની બેદરકારીના કારણે તેનું મોત હોવાના આક્ષેપો સાથે હોબાળો કર્યો હતો અને પરિવારજનોએ પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું જણાવ્યું હતું.
મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં ઘેટી ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફ્સિ ચલાવે છે અને તેમની પત્ની પ્રિયંકા (ઉવ.25)ને એપેન્ડિક્સની તકલીફ હતી.જેથી તેણીનું સરથાણા જકાતનાકા ખાતે આવેલી આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સોમવારે સવારના સમયે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ઓપરેશન બાદ પ્રિયંકાની તબિયત લથડવા લાગતા તેનું મોત થયું હતું.
તેણીના પતિના જણાવ્યા મુજબ પ્રિયંકાનું ઓપરેશન કર્યા બાદ કલાકો સુધી ભાનમાં આવી ન હતી અને ત્યારબાદ પ્રિયંકાના હોઠ સફેદ થવા લાગતા ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. ડોક્ટરે પ્રિયંકાનું હૃદયના હુમલાને કારણે મોત થયું હોય તેવું લાગી રહ્યું છે, તેવું કહ્યું હતું. જોકે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી તથા તબીબો સહિત સ્ટાફ્ની બેદરકારીના કારણે થયું છે.
પરિવારના આક્ષેપોના આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. એએસએલ સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણવા મળશે. પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મંગળવારે રાત સુધી મૃતક પ્રિયંકાના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો અને તેઓએ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.