મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર વળાંક આવ્યો છે અને ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ બુધવારે મોડી રાત્રે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવી શકે છે. કારણ કે ઉદ્ધવના રાજીનામા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું હતું કે તેઓ ગુરુવારે રાજ્યમાં રાજકીય ઘટનાક્રમને લઈને તેમના આગામી પગલા વિશે માહિતી આપશે. મળતી માહિતી મુજબ, શિંદે જૂથના ધારાસભ્યો ગોવા પહોંચી ગયા છે.
એજન્સી અનુસાર, જ્યારે બીજેપીના આગળના પગલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે આગળનું પગલું ફડણવીસ અને એકનાથ શિંદે નક્કી કરશે. આ સાથે જ રાજ્ય બીજેપી યુનિટે પોતાના તમામ ધારાસભ્યોને મુંબઈમાં એકઠા થવા માટે કહ્યું છે અને તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરોએ હાલ પૂરતો સંયમ રાખવો જોઈએ.
ઠાકરેના રાજીનામા પછી, મુંબઈ ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે આ માત્ર એક ઝાંખી છે, મુંબઈ મહાનગરપાલિકા આવવાનું બાકી છે અને તે સ્પષ્ટ છે કે ભાજપ રાજ્યમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે અને પછી તેની નજર BMC પર છે.
બીજી તરફ ઉદ્ધવના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું ગુરુવારે પાર્ટીનું સ્ટેન્ડ જણાવીશ. તે જ સમયે, ભાજપે આજે સવારે ફડણવીસ હાઉસમાં કોર કમિટીની બેઠક બોલાવી છે. જો કે દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું કે મુંબઈમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી અને બેઠક દરમિયાન ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, પ્રવીણ દરેકર, ગિરીશ મહાજન, આશિષ શેલાર, ચંદ્રશેખર બાવનકુલે સાથે વાતચીત કરી.
દરમિયાન ચંદ્રકાંત પાટીલે ટ્વિટ કરીને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કહ્યું છે કે જે ધારાસભ્યો આજે મુંબઈ પહોંચી રહ્યા છે, હું તેમને શપથગ્રહણના દિવસે આવવા વિનંતી કરું છું. બીજી તરફ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો ગોવા પહોંચી રહ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગોવાના મુખ્યમંત્રીએ મોડી સાંજે તાજ હોટલમાં શિંદ અને અન્ય ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી.
તે જ સમયે, ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવમાં જ રાજીનામાની જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું છે કે તેમને સીએમની ખુરશી ગુમાવવાનો કોઈ ડર નથી. આ પછી તેઓ પોતે કાર ચલાવીને રાજભવન પહોંચ્યા હતા. ત્યાં તેમણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજીનામું આપ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.