મહિનાઓની રાહ જોયા બાદ દેશમાં 5G નેટવર્ક વાસ્તવિકતા બનવાનું છે. આ માટે 5G સ્પેક્ટ્રમની હરાજી ચાલી રહી છે. આ હરાજી 26 જુલાઈ મંગળવારથી શરૂ થઈ હતી. જો હવે વધુ સ્પેક્ટ્રમની માંગ થશે તો હરાજીની પ્રક્રિયા આજે પણ ચાલુ રહી શકે છે. દરમિયાન સરકારે જણાવ્યું છે કે પ્રથમ દિવસની હરાજીમાં તેને અપેક્ષા કરતા વધુ બોલીઓ મળી છે અને મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે બિડિંગના ચાર રાઉન્ડ બાદ સરકારને 1.45 લાખ કરોડ રૂપિયાથી વધુના સ્પેક્ટ્રમ માટે બિડ મળી છે.
પ્રથમ દિવસની હરાજી બાદ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોડી સાંજે પત્રકાર પરિષદને સંબોધી હતી. 5G સ્પેક્ટ્રમ માટે ભારતની એકમાત્ર હરાજીના પહેલા જ દિવસે બિડ્સ રૂ. 1.45 લાખ કરોડના આંકને વટાવી ગઈ હતી એમ તેમણે જણાવ્યું હતું. સ્પેક્ટ્રમ માટે બિડિંગ પ્રક્રિયા મંગળવારે સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી. સાંજે 6 વાગ્યા સુધી ચાર રાઉન્ડમાં બિડ કરવામાં આવી હતી અને મંત્રીએ કહ્યું કે જો બિડર્સ વચ્ચે હજુ પણ સ્પેક્ટ્રમની માંગ છે, તો હરાજીની પ્રક્રિયા આજે પણ ચાલુ રહી શકે છે અને અગાઉ ઘણા વિશ્લેષકો 5G સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને 1.09 લાખ કરોડ રૂપિયા મળવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યા હતા.
મંત્રીએ જણાવ્યું કે પ્રથમ દિવસે ચાર રાઉન્ડમાં હરાજી થઈ હતી. 700 મેગાહર્ટ્ઝ બેન્ડ ફ્રિકવન્સી માટે પણ બિડ મળી હતી અને એવું લાગે છે કે ટેલિકોમ ઉદ્યોગ નવી ટેક અને નવા રોકાણોની અપેક્ષાએ નવા ક્ષેત્રો તરફ આગળ વધી રહ્યો છે અને તેમણે કહ્યું કે સરકાર 15 ઓગસ્ટ પહેલા 5G સ્પેક્ટ્રમની હરાજી કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર આ વર્ષના સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં દેશમાં 5G સર્વિસીસની શરૂઆત જોવા માંગે છે. અમારી ટીમ હરાજી પછી શક્ય તેટલી વહેલી તકે સ્પેક્ટ્રમ ફાળવવા માટે ઓવરટાઇમ કામ કરી રહી છે.
સરકાર કુલ 72GHz સ્પેક્ટ્રમની હરાજી કરવા જઈ રહી છે. તેની કિંમત લગભગ 4.3 લાખ કરોડ રૂપિયા છે. આ હરાજી હેઠળ 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz મિડ ફ્રિકવન્સી બેન્ડમાં અને 26 GHz સ્પેક્ટ્રમ હાઈ ફ્રિકવન્સી બેન્ડમાં આ ઓક્શન હેઠળ ઓક્શન કરવામાં આવશે. આ નવ બેન્ડમાં લગભગ 72,000 MHz સ્પેક્ટ્રમની 20 વર્ષના સમયગાળા માટે હરાજી કરવામાં આવનાર છે. આ વખતે અદાણી ડેટા નેટવર્ક ઉમેરાતા સ્પેક્ટ્રમની હરાજી માટેની રેસ વધુ રસપ્રદ બની છે અને આ હરાજીમાં અદાણી ઉપરાંત મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો, સુનીલ મિત્તલની ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા ભાગ લઈ રહી છે.
આ હરાજીથી સરકારને 70 હજાર કરોડ રૂપિયાથી 01 લાખ કરોડ રૂપિયા સુધીની આવક થવાની અપેક્ષા હતી. જો કે માત્ર ચાર રાઉન્ડમાં બિડની કુલ રકમ સરકારની અપેક્ષિત ઉપલી મર્યાદાથી ઘણી આગળ નીકળી ગઈ છે. એવું માનવામાં આવે છે કે 5G સ્પેક્ટ્રમ માટે આયોજિત આ હરાજીમાં રિલાયન્સ જિયોને સૌથી વધુ ફાળવણી મળી શકે છે અને ત્યારબાદ ભારતી એરટેલ બીજા નંબરે રહી શકે છે. વોડાફોન આઈડિયા અને અદાણી મર્યાદિત હિસ્સો લઈ શકે છે તેમજ રિલાયન્સ જિયોએ હરાજી માટે સૌથી વધુ 14 હજાર કરોડ રૂપિયા અર્નેસ્ટ મની ડિપોઝિટ (EMD) પેટે જમા કરાવ્યા છે અને જ્યારે એરટેલે રૂ. 5,500 કરોડ અને વોડાફોન આઇડિયાએ રૂ. 2,200 કરોડ જમા કરાવ્યા છે. અદાણી ડેટા નેટવર્કે માત્ર 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.